ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !

  ભારત સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કંપની સાથે ઓનલાઇન પેમેન્ટ ગેટવેમાં આવેલી ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ…

 

ભારત સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કંપની સાથે ઓનલાઇન પેમેન્ટ ગેટવેમાં આવેલી ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામના બે ટ્રાન્સપોર્ટરોએ પોતાના બેંક ખાતામાંથી રકમ ડેબિટ થયા વગર જ ફ્લીટ ડીઝલ કાર્ડ રિચાર્જ કરી લઈ કુલ રૂૂ.20.01 લાખનું ડીઝલ પુરાવી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

BPCL ના અધિકારી અર્પિત વિનય બંસલે નોંધાવેલી ફરિયાદ મુજબ, કંપની ટ્રાન્સપોર્ટરોને ‘ફ્લીટ ડીઝલ કાર્ડ’ ઇસ્યુ કરે છે, જેમાં ઓનલાઇન રિચાર્જ કરવાથી ડીઝલ પર વળતર મળે છે. માર્ચ-2023 માં રેઝર-પે પેમેન્ટ ગેટવેની રિસ્ક ટીમે જાણ કરી હતી કે સિસ્ટમમાં ડેટા ફ્લો દરમિયાન કેટલીક શંકાસ્પદ એક્ટિવિટી થઈ છે. તપાસ કરતા માલૂમ પડ્યું કે દેશભરના 1,093 ગ્રાહકોએ આ ટેકનિકલ ખામીનો લાભ ઉઠાવી રૂૂ.129.55 કરોડના ખોટા રિચાર્જ કર્યા હતા.

રાજકોટ રિટેલ ટેરિટરી ઓફિસ હેઠળ આવતા ગાંધીધામના બે ગ્રાહકો શ્રીનાથ લોજિસ્ટિક્સના રમેશ અવાડીયાએ રૂૂ.9.99 લાખનું રિચાર્જ કરાવ્યું હતું. ખાતામાંથી પૈસા કપાયા ન હોવા છતાં રૂૂ.2.04 લાખનું ડીઝલ વિવિધ પંપ પરથી પુરાવી લીધું હતું. મેરી ગોલ્ડ લોજિસ્ટિક્સના અતુલ ધીરજલાલ મોરીએ રૂૂ.24.50 લાખનું રિચાર્જ કર્યું હતું. કંપનીએ ખામી પકડાતા રૂૂ.6.52 લાખ પરત ખેંચી લીધા હતા, પરંતુ અતુલ મોરીએ બાકીના રૂૂ.17.97 લાખનું ડીઝલ કાર્ડ વાપરીને પુરાવી લીધું હતું.કંપની દ્વારા બંને ટ્રાન્સપોર્ટરોને રજિસ્ટર એડી (RPAD) થી નોટિસ ફટકારી બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા અથવા નાણાં પરત કરવા જણાવ્યું હતું. વારંવારના સંપર્ક છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા અંતે બીપીસીએલના અધિકારીએ ગાંધીધામના આ બંને શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ગ્રાહકો જ્યારે ‘હેલો બીપીસીએલ’ એપ દ્વારા રિચાર્જ કરતા હતા, ત્યારે પેમેન્ટ ગેટવેમાં પિન નંબર નાખ્યા વગર જ વોલેટમાં રકમ જમા થઈ જતી હતી. આ ટેકનિકલ ખામીની જાણ હોવા છતાં આરોપીઓએ તેનો ઉપયોગ કરી સરકારને લાખોનો ચૂનો લગાવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *