રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા અને યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે ’સે નો ટુ ડ્રગ્સ’અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ અને સેવન કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો સતત કાર્યરત હતી.
દરમિયાન, તા. 07/04/2026 ના રોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી પંચાયત ચોક પાસે અવધ-2 એપાર્ટમેન્ટ નજીકથી બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 40.420 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 1,21,260 રૂૂપિયા જેટલી થવા જાય છે. આ ઉપરાંત, પોલીસે આરોપીઓ પાસેથી 80,000 રૂૂપિયાની કિંમતનું એક એક્સેસ મોટર સાયકલ અને 20,000 રૂૂપિયાની કિંમતના બે નંગ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આમ, પોલીસે કુલ 2,21,260 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એફ.એસ.એલ. અધિકારી શ્રી સમીર જોષી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી આ પદાર્થ ડ્રગ્સ હોવાનું પુષ્ટિ આપવામાં આવી હતી.
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ મૌલિક અશોકભાઈ જેઠવા (ઉં.વ. 28, રહે. ફ્લેટ નં. 501, અવધ-2 એપાર્ટમેન્ટ, રાજકોટ) અને મયુર ઉર્ફે લાલુ ઉર્ફે મેક્ષ દિલીપભાઈ જાડા (ઉં.વ. 28, રહે. પગથિયા શેરી, બીલખા, જી. જૂનાગઢ) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. મુખ્ય આરોપી મૌલિક અશોકભાઈ જેઠવા વિરુદ્ધ ભૂતકાળમાં માલવિયાનગર, ગાંધીગ્રામ, પ્રદ્યુમનનગર અને પ્રભાસ પાટણ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આઈ.પી.સી. કલમ 354, 379, 114 તેમજ પ્રોહિબિશન અને એમ.વી. એક્ટ હેઠળ કુલ 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની સામે અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજો આરોપી મયુર ઉર્ફે મેક્ષ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 માં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. આ બંને આરોપીઓ નશાના આ કાળા કારોબારમાં લાંબા સમયથી સંકળાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજકોટ એસ.ઓ.જી.ની આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજા, પી.એસ.આઈ. વી.વી. ધાંગુ, એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, અરૂૂણભાઈ બાંભણીયા સહિતના સ્ટાફના સભ્યો જોડાયા હતા. આ પકડાયેલ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના કયા યુવાનોને તે પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
