મોરબીના પરોપકારી બચુબાપા રાજકોટ સિવિલમાં નિદાન માટે એક મહિનાથી ધક્કા ખાય છે !

કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’, પરંતુ જ્યારે આજીવન સેવા કરનાર વ્યક્તિ જ સિસ્ટમનો ભોગ બને ત્યારે માનવતા સામે સવાલ ઉઠે છે. મોરબી…

કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’, પરંતુ જ્યારે આજીવન સેવા કરનાર વ્યક્તિ જ સિસ્ટમનો ભોગ બને ત્યારે માનવતા સામે સવાલ ઉઠે છે. મોરબી રેલ્વે સ્ટેશન પાસે વર્ષોથી ભૂખ્યાઓને ભોજન કરાવી પુણ્યનું ભાથું બાંધનારા પ્રખ્યાત સેવાભાવી બચુબાપા આજે પોતે જ પીડામાં છે અને ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.
બચુબાપા છેલ્લા એક મહિનાથી પોતાની શારીરિક પીડાના નિદાન માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે. વિડિયોમાં તેમની વેદના સ્પષ્ટ દેખાય છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં આવ્યા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર તરફથી તેમને કોઈ સંતોષકારક જવાબ કે યોગ્ય સારવાર મળી નથી. જે હાથોએ હજારો લોકોને જમાડ્યા છે, એ જ હાથો આજે હોસ્પિટલમાં મદદ માટે ફેલાયેલા છે.

વર્ષો સુધી નિ:સ્વાર્થ ભાવે ભૂખ્યાની જઠરાગ્નિ ઠારનાર વૃદ્ધ સેવાભાવીને જ્યારે સરકારી હોસ્પિટલમાં તંત્રની ઉદાસીનતાનો સામનો કરવો પડે, ત્યારે સામાન્ય જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થતા લોકો સવાલ પૂછી રહ્યા છે કે,શું સેવાભાવી લોકો માટે હોસ્પિટલમાં કોઈ વિશેષ સંવેદના નથી? એક માસ સુધી નિદાન ન થવા પાછળ કોણ જવાબદાર? બચુબાપાની હાલત જોઈને હવે સામાજિક કાર્યકરો અને મોરબીવાસીઓ માંગ કરી રહ્યા છે કે સત્વરે તેમના હાથની ગાંઠનું નિદાન કરી યોગ્ય સારવાર આપવામાં આવે.બચુ બાપાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે,મેં આખી જિંદગી રેલ્વે સ્ટેશન પર ગરીબોને જમાડ્યા છે, પણ આજે મને અહીં (સિવિલમાં) કોઈ સાંભળવા વાળું નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *