ભૂમાફિયા અલ્પેશ દોંગા વિરૂધ્ધ કાલાવડ તાલુકામાં વધુ બે ફરિયાદ નોંધાઇ છે. અલ્પેશ દોંગાએ નાના ખેડૂતોની આર્થિકભીંસ અને લાચારીનો ફાયદો ઉઠાવી વ્યાજે નાણા આપી જમીનના દસ્તાવેજો કરી જમીન પચાવી પાડી છે. તેમની સામે અત્યાર સુધીમાં 18 જેટલી ફરિયાદ નોંધાઇ ચૂકી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સાતથી વધુ જમીન કૌભાંડના ગુના નોંધાયા છે. ગઇકાલે કાલાવડ તાલુકામાં બંન્ને ખેડૂતે જમીનના સોદાના કરોડોની ઉઘરાણીનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.
કાલાવડ ટાઉન પોલીસમાં હરીપર (ખંઢેરા) ગામના 66 વર્ષીય જમનભાઈ વસોયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અલ્પેશભાઈ ગોવિંદભાઈ દોંગા, ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસિયા અને નાગજીભાઈ માઘાભાઈ નસિત, રહે. રાજકોટ, સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીની નાણાકીય ભીંસનો લાભ લઈ ખેતીની જમીનનો દસ્તાવેજ ધર્મેન્દ્રભાઈ તથા નાગજીભાઈના નામે કરાવ્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ બંનેએ રૂૂ.12.80 લાખ આપ્યા બાદ અલ્પેશભાઈ દોંગાએ માસિક 2.75 ટકા વ્યાજે રૂૂ.3.87 લાખની ઉઘરાણી કરી હતી. ત્યારબાદ રૂૂ.13 લાખની મૂળ રકમ પણ ડરાવી-ધમકાવી જમા કરાવડાવી હોવાનો અને કુલ રૂૂ.16.87 લાખ ચૂકવ્યા છતાં જમીન ખાલી કરાવવા તથા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે.
બીજી તરફ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નિકાવાના પરેશભાઈ સોજીત્રાએ અલ્પેશભાઈ દોંગા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રૂૂ.20 લાખની ખેતીની લોન આપી માસિક 2.5 ટકા વ્યાજ વસૂલવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીની 14 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હોવાનો આક્ષેપ છે. વ્યાજ પેટે રૂૂ.50 હજાર વસૂલવા ઉપરાંત જમીન પરત મેળવવા માટે અલગ-અલગ રીતે રૂૂ.1.25 કરોડથી વધુની રકમ પડાવી લેવાનો, પઠાણી ઉઘરાણી કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ થયો છે.
કાલાવડ ટાઉન પોલીસે આ મામલે અલ્પેશભાઈ દોંગા, ધર્મેન્દ્રભાઈ ઠેસિયા અને નાગજીભાઈ નસિત સામે જ્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસે અલ્પેશભાઈ દોંગા, અક્ષીતભાઈ અકબરી, આકાશ ડાંગર, વાઘુ વિરા ડાંગર તથા રણજીતભાઈ જળુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
