સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં 2 સગીર મિત્રોની મટન કાપવાના છરા વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ડબલ મર્ડર કેસના સીસીટીવી ફૂટેજ સામે આવતા અઠવા પોલીસે સીસીટીવી આધારે ગુનો નોંધીને ફરાર 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બંને મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
જોકે, બીજી તરફ મૃતકના પરિવારજનો પોલીસની આ થિયરી સાથે સહમત નથી. તેઓ આ ઘટના પાછળ ઓનલાઇન ગેમને જવાબદાર ઠેરવી રહ્યા છે. મૃતકના કાકા મોહમ્મદ સલમાને જણાવ્યું હતું કે, ’આ ઘટના ફ્રી ફાયર ગેમ પરથી થઈ છે. ગેમ રમતા કોઈ ગાળાગાળી થઈ હતી. જેમાં મારો ભત્રીજો જેનું મોત થયું છે, એના મિત્ર સાથે કંઈક માથાકૂટ થઈ હતી. તો સામેવાળાએ તેને ધમકી આપી, લડવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ આ હત્યા થઈ.’
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ જ્યારે બંને પક્ષો આમનેસામને આવ્યા ત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. આરોપી સગીરના પિતાની મટનની દુકાન છે. જ્યારે તેને ખબર પડી કે સામે પક્ષના યુવકો તેને શોધતા આવ્યા છે, ત્યારે તે તેમને માત્ર ડરાવવાના ઈરાદે દુકાનમાંથી મટન કાપવાનો મોટો છરો લઈને ગયો હતો. પરંતુ, સામસામે થયેલી ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીમાં તેણે પોતાનો કાબૂ ગુમાવ્યો અને પોતાના જ મિત્રો પર ઉપરાછાપરી છરાના ઘા ઝીંકી દીધા હતા.
પરિવારના સભ્ય મોહમ્મદ સાબીરે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તેમના બાળકો તો માત્ર મિત્રતાના નાતે ઝઘડાનું સમાધાન કરવા ગયા હતા, જ્યારે આરોપી ચપ્પુ લઈને આવ્યો ત્યારે જેની સાથે મુખ્ય ઝઘડો હતો તે યુવક ચપ્પુ જોઈને ભાગી છૂટ્યો હતો, અને વચ્ચે પડેલા આ બે સગીરોને જીવલેણ ઘા વાગી ગયા. સાબીરે ન્યાયની માંગ કરતા કહ્યું- ’હવે અમને તો ઇન્સાફ જોઈએ. એવો ઇન્સાફ કે તે જિંદગીભર જેલમાંથી ન છૂટવો જોઈએ.’
આ ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બંને મૃતક સગીરોના પરિવારોમાં કલ્પાંત છવાયો છે. નોંધનીય છે કે મૃતકોમાંથી એકના પિતા જેલમાં છે અને માતા નથી, જ્યારે બીજાના પિતા દિવ્યાંગ છે. અઠવા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી, ગુનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા સગીર 3 આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂૂ કરી દીધી છે.
