શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગના મામલે જંગલેશ્વરની મરઘા ગેંગ અને પેંડા ગેગ સામે પોલીસ કડક કાયવાહી કરી તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી બન્ને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી આ બન્ને ગેંગના આરોપીઓને આશરો આપનાર અને મદદ કરનારની ધરપકડ કરી હતી. ફાયરીંગમાં જે હથિયારનો ઉપયોગ થયો તેમાં પેંડા ગેંગના સભ્યોને હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના ભીંડના મુખ્ય સપ્લાયર અને મુરગા ગેંગને મદદગારી કરનાર અને આશરો આપનાર મૂળ ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ કરી છે. હથિયાર સપ્લાયરની પુછપરછમાં સુત્રધાર તરીકે ભીંડ અન્ય એક શખ્સ નું નામ ખુલ્યું હોય એસઓજીની એક ટીમે તેની ધરપકડ કરવા ભીંડમાં ધામા નાખ્યા છે. મુખ્ય સપ્લાયરની ધરપકડ બાદ રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં હથીયાર સપ્લાયનું મોટું નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.
મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગના બનાવમાં પોલીસે ગુજસીટોક હેઠળ કાયર્વાહી કરવામાં આવી હતી અને પેંડા ગેંગના સભ્યોની પુછપરછમાં હથિયાર સપ્લાયમાં મધ્યપ્રદેશના ભીંડના ઇસુરી ગામના સોદાગર રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવતે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પેંડા ગેંગના જયવીક ઉર્ફે મોન્ટુ દિલીપ રોજાસરા અને રાજુસિંગ રાજકોટ જેલમાં મળ્યા હતા.જેલમાં મુલાકાત બાદ મધ્યપ્રદેશના હથિયારના સપ્લાયર રાજેશ સિંઘ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત જેલ માંથી છુટ્યા બાદ મોન્ટુ રોજાસરા અને હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો સાત્યકીસિંહ ઝાલા બન્ને મધ્યપ્રદેશ ગયા અને તેની પાસેથી તેને ગેરકાયદેસર હથિયાર મેળવ્યાનું ખુલ્યું હોય તેને પકડવા માટે રાજકોટ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલાની ટીમ રાજકોટથી મધ્યપ્રદેશ પહોચી હતી અને હથિયારના સોદાગર ઉતરપ્રદેશના ભીંડના ઇસુરી ગામના સોદાગરને પકડવા ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું અને રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત(32)ની ધરપકડ કરી હતી. રાજુ સામે રાજકોટ ગીર સોમનાથ અને જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં 2018 થી 2025 સુધીમાં હથીયારના 12 ગુના તેમજ મારામારી સહિતના ત્રણ ગુના નોંધાયેલ છે.
રાજુની પુછપરછમાં આ મામલે મોન્ટુ સિહ અને સૌરભસિંહનું નામ ખુલ્યું હતું. જેને પકડવા રાજકોટ એસઓજીએ મધ્યપ્રદેશના ભીંડમાં ઓપરેશન પાર પાડી મોન્ટુસિંહની ધરપકડ કરી તેને રાજકોટ લાવવા તજવીજ શરુ કરી છે. મોન્ટુને સૌરભસિંહે હથિયાર સપ્લાય કર્યા હોય હથિયાર સપ્લાયનું મોટું નેટવર્ક ચલાવતો હોય તેની ધરપકડ બાદ
તેની પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.જયારે મુરગા ગેંગને મદદગારી કરનાર અને આશરો આપનાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આજી જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં રહેતાં હમઝા રફિક સૈયદ (ઉ.વ.19)ની ધરપકડ કરી હતી. આ સાથે જ આ કેસમાં બંને જુથના આરોપીઓની ધરપકડનો આંક 36 પર પહોંચ્યો છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી. બસીયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા સાથે હરદેવસિંહ,અનોપસિંહ તેમજ યોગેન્દ્રસિંહે કામગીરી કરી હતી.
