રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ વિભાગ કાર્યરત

શહેર પોલીસ સાથે ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરશે ક્રાઇમ બ્રાંચ ખાતે નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક મળી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ…

શહેર પોલીસ સાથે ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરશે ક્રાઇમ બ્રાંચ ખાતે નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક મળી

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે રાજકોટ ઝોનમાં શરુ કરાયેલા સી.આઈ.ડી. એન્ટી નાર્કોટિક્સ વિભાગને રાજકોટ પોલીસ સાથે સંકલનમાં રહીને ગાંજો અને નાર્કોટિક્સ ડ્રગ્સના વધુને વધુ કેસ કરવા નિર્દેશ આપ્યા હતાં. પોલીસ કમિશ્નરે એન.ડી.પી.એસ. ના કેસમાં આરોપીને વધુમાં વધુ સજા મળે તે પ્રકારે કામગીરી કરવા પણ સૂચના આપી હતી.

અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગ તેમજ ખેતી વાડી વિભાગને સંયુક્ત રીતે ગાંજાની ખેતી ન થાય તે અંગે ગ્રામ્ય લોકો, ખેડૂતોમાં જનજાગૃતિ કરવા તાકીદ કરી હતી. અને શાળા કોલેજના પી.ટી. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

ક્રાઈમ વિભાગના ડી.સી.પી. જગદીશ બાંગરવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરી અન્વયે શાળા, કોલેજમાં જનજગૃતિ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. એસ.ઓ.જી. અને પોલીસ વિભાગ દ્વારા ગાંજા અને એમ.ડી. ડ્રગ્સના વેચાણ કરતા 2 કેસમાં 4 આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. ના કેસ, શાળા આસપાસ 100 મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તંબાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ 121 કેસમાં રૂૂ. 24,200 નો દંડ કરાયાનું જણાવ્યું હતું. ડ્રગ્સના વેચાણકર્તા હોય તેવા લોકો પર 298 મેન્ટર કામગીરી કરી રહ્યા હોવાનું જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું. આ ઉપરાંત વન વિભાગ, મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ, આરોગ્ય વિભાગ દ્વારા સર્ચ અને જનજાગૃતિ અંગે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ બેઠકમાં ઝોન 2 ડી.સી.પી. રાકેશ દેસાઈ, એસ.ઓ.જી ના પી.આઈ. એસ.એમ. જાડેજા સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કસ્ટમ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક, સિવિલ, મનોચિકિત્સક, રિહેબિલિટેશન, કૃષિ અને વન વિભાગ, તોલમાપ. સાયન્ટિફિક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મહાનગર તેમજ સિવિલના આરોગ્ય અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીઓ જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *