શહેરના કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોરા પાસે કોર્પોરેશનમાં કહીને ચા અને પાનની કેબીનનો થડો ઉપડાવી લીધાની શંકાએ યુવાન પર બે શખ્સોએ હુમલો કરતાં મામલો પોલીસ પાસે પહોેંચ્યો હતો. આ ઘટનામાં બન્ને આરોપી સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
વધુ વિગતો મુજબ, કટારીયા ચોકડી પાસે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં નિલેશ શાંતિભાઈ પરમાર નામના યુવાને જયદીપ રાજુભાઈ રાતડિયા અને રાધે ભરતભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સગા મોટાભાઈ રવિભાઈ લક્ષ્મીના ઢોરા પાસે અલખધણી નામની ચા તથા ફાકીની દુકાન ચલાવે છે. તેણી દુકાનની સામે જયદીપ રાતડિયા પણ ચા અને પાન ફાકીની દુકાન ચલાવતો હતો.
પરંતુ થોડા સમય પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ જયદીપને પોતાનો ગેરકાયદેસર પાન-ફાકીની કેબીન ત્યાંથી ઉપાડી લેવાનું કહેતા આ બાબતે જયદીપની તેવી શંકા હતી કે કોર્પોરેશનમાં પોતે જાણ કરી ચા-પાનનો થડો ઉપડાવી લેવાની ફરિયાદ કરી છે. જેથી જેનો ખાર રાખી ગઈકાલે સાંજના સમયે જયદીપના સ્થળે ફાકી ખાવા ગયો ત્યારે ત્યાં ઉભેલા જયદીપ અને તેના મિત્ર રાધેએ ત્યાં આવી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને નીચે પડેલી ઈંટ લઈ માથામાં ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી નિલેશ પોતાના ઘરે ભાગી ગયો હતો અને આ વાત પોતાના ઘરે કર્યા બાદ પોતે જુની હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટાફે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
