ચોટીલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક જ દિવસમાં હિંસાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને બનાવોમાં ઈજાગ્રસ્ત થયેલા યુવક અને પ્રૌઢાને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રથમ ઘટના ચોટીલાના હરણીયા ગામમાં બની હતી.જ્યાં રહેતા 20 વર્ષના યુવક રવિ ગભરૂૂભાઈ લામકા પર ગામના જ વિપુલ પ્રવીણ નામના શખ્સે ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રવિને તુરંત જ હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના બિછાનેથી ઈજાગ્રસ્ત રવિએ જણાવ્યું હતું કે, પોતે માલઢોર ચરાવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ઘટનાના દિવસે આરોપી વિપુલે ’તું અહીં કેમ માલઢોર ચરાવવા આવે છે?’ તેમ કહી સામાન્ય બાબતમાં ઝઘડો કરીને એકાએક ધારીયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલાને પગલે ગ્રામીણ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.જ્યારે ચોટીલા તાલુકાના જ ખેરડી ગામે બીજી ઘટના સામે આવી છે, જેમાં મિલકત વિવાદમાં એક વિધવા મહિલાને તેના જ પરિવારજનોએ નિર્દયતાપૂર્વક માર માર્યો હતો.
ખેરડી ગામે રહેતા કેસુબેન બાબુભાઈ વાઘેલા(ઉ.40) પોતાના ઘર પાસે હાજર હતા, ત્યારે તેમના જ દિયર અરવિંદ, દેરાણી સોનુબેન અને નણંદ શારદાબેન સહિતના લોકોએ એકસંપ થઈને ટ્રાપા ટેકા જેવા હથિયારો વડે કેસુબેન પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કેસુબેનને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પતિનું કોરોના કાળ દરમિયાન અવસાન થયું હતું અને તેમને સંતાનમાં બે દીકરીઓ તથા બે દીકરાઓ છે. પતિના અવસાન બાદ નિસહાય બનેલા કેસુબેનને તેમના જ દિયર, દેરાણી અને નણંદ અવારનવાર મિલકત પડાવી લેવાની લાલચે હેરાન-પરેશાન કરતા હતા, જે બાબતે આખરે મામલો બિચકતા આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં આ બંને મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
