મોરબી નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત: 2ના મોત, 8 ઇજાગ્રસ્ત

મોરબી જિલ્લાના પીપળીયા ગામની ચોકડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોરબીના પાવડવાડી ગામે રહીને પેટિયું રળતા અને મૂળ મધ્યપ્રદેશના વતની…

મોરબી જિલ્લાના પીપળીયા ગામની ચોકડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોરબીના પાવડવાડી ગામે રહીને પેટિયું રળતા અને મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિકો જ્યારે પોતાનું મજૂરી કામ પૂર્ણ કરીને ત્યાંથી તરઘડી તરફ પરત આવી રહ્યા હતા, ત્યારે પીપળીયા ગામની ચોકડી પાસે તેમની રીક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર તમામ શ્રમિકો લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતની જાનહાનિની વિગતો મુજબ, 36 વર્ષીય શંકર ફુલસિંગ અજનાર અને 43 વર્ષીય મહેન્દ્ર રૂૂમલ નામના બે શ્રમિકોના ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

આ ટક્કરમાં રીક્ષામાં સવાર અન્ય આઠ જેટલા શ્રમિકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં 25 વર્ષીય દિનેશભાઈ રૂૂમલભાઈ મોવર, 40 વર્ષીય બાબુભાઈ રામાભાઈ, 20 વર્ષીય રાકેશભાઈ સુમનભાઈ મોવર, 35 વર્ષીય દરબાર છગનભાઈ વસુનીયા તેમજ બાળકો અને કિશોરો સહિત 11 વર્ષીય અક્ષય સાદરભાઈ, 30 વર્ષીય ભંગડી સાદરભાઈ, 13 વર્ષીય રાધિકા અને 16 વર્ષીય લાલો કુંવરસિંહનો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ઇમરજન્સી સેવાઓ તુરંત જ મદદે દોડી આવી હતી.
તમામ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને અકસ્માતનું કારણ જાણવા તથા મૃતકોના પીએમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *