સરધાર નજીક હિટ એન્ડ રનની બે ઘટના: રાહદારી અને બાઈકચાલકનું મોત

રાજકોટ ભાવનગર હાઈવે જાણે ગુજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા બાદ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી ત્યારે ત્રણ દિવસમાં હિટએન્ડ રનની બે ઘટનામાં…

રાજકોટ ભાવનગર હાઈવે જાણે ગુજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા બાદ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી ત્યારે ત્રણ દિવસમાં હિટએન્ડ રનની બે ઘટનામાં ઘવાયેલા આધેડ અને વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેમાં હરીપરના વૃધ્ધના બાઈકને સરધાર નજીક અજાણ્યા બાઈક ચાલકે અને જામખારચીયા ગામે કમળાપુરના આધેડને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ જસદણનાં કમળાપુર ગામના વતની અને હાલ સરધાર નજીક આવેલા કારખાનામાં કામ કરતાં કરમણભાઈ સાદુળભાઈ ગળચર નામના 50 વર્ષના આધેડ કંપનીમાંથી છુટીને ગેઈટની બહાર રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે છએક વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રક ચાલકે આધેડને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક આધેડ ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટના હરીપર ગામે રહેતાં માવજીભાઈ બચુભાઈ પોકળ નામના 60 વર્ષના વૃધ્ધ ત્રણ દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ હરીપરથી સરધાર જઈ રહ્યાં હતાં ત્યારે સરધાર નજીક પહોંચતાં અજાણ્યા બાઈક ચાલકે માવજીભાઈ પોકળના બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *