જેતપુર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અવાર નવાર મારામારી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર ગુનાહિત ઇતીહાસ ધરાવતા બે રીઢા ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરતી જેતપુર સીટી પોલીસે અને ગ્રામ્ય એલ.સી.બીએ જેલ હવાલે ધકેલી દીધા છે. રાત્રીના સમયે ગુનાહિત અપ્રવેશ, હત્યા કરવાના ઇરાદે ગંભીર મારામારી કરવાની ટેવવાળી ગુનાહિત ટોળકી સક્રિય થયેલ હતી. જે ટોળકીનો મુખ્ય સુત્રધાર જેતપુરનો અવઘ અરવિંદભાઇ તિવારી તથા ટોળકીનો મેઇન સાગરીક મુનાવર ફરીદભાઇ રફાઇની વિરૂધ્ધમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી, જીલ્લા કલેકટરને મોકલી આપતા જીલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ દ્વારા ટોળકીનો મુખ્ય સુત્રધાર તથા તેના સાગરીતની પાસા મંજુર કરી આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ તથા સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હતો.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાની સુચનાથી એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તેમજ જેતપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ટીમ તથા જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા બન્ને આરોપીઓને તાત્કાલીક શોધી જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ મુજબ આરોપીઓને જેતપુર સીટી પોલીસ સ્ટેશન લાવી પાસા અટકાયતી કરી વડોદરા મધ્યસ્થ જેલ તથા સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ હતા.
