રાજકોટમાં નજીવી બાબતે બે સગા ભાઇની હત્યા

એક જ મકાનમાં ભાડે રહેતા બે પડોશી વચ્ચે છેડતી અને સહિયારા શૌચાલયના ઉપયોગના મામલે મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ પડોશી સાળા-બનેવીએ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી…

એક જ મકાનમાં ભાડે રહેતા બે પડોશી વચ્ચે છેડતી અને સહિયારા શૌચાલયના ઉપયોગના મામલે મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ

પડોશી સાળા-બનેવીએ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધા

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આર્યનગરમાં બે સગા ભાઈઓની પડશીએ હત્યા કરી નાખ્યાના બનાવથી સનસનાટી મચી જવા પામી હતી. એક જ મકાન માં ઉપર અને નીચે ભાડેથી રહેતા બે પરપ્રાંતીય પરિવાર વચ્ચે શૌચાલય અને બાથરૂૂમના સહિયારા ઉપયોગ બાબતે ઘણા સમયથી માથાકૂટ ચલાતી હોય તેમાં મૃતક યુવાને પાડોશી મહિલાની છેડતીની શંકાએ સોમવારે સાંજે થયેલી માથાકૂટમાં લોહી રેડાયું હતું અને બન્ને ભાઈઓ ઉપર સાળા – બનેવીએ છરીથી હુમલો કરતા બંન્નેના મોત થયા હતા આ બેવડી હત્યા મામલે ક્રાઈમ બ્રાંચ અને બી-ડીવીઝન પોલીસે તપાસ કરી હત્યામાં સંડોવાયેલ સાળા – બનેવીની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ રાજકોટના સંત કબીર રોડ ઉપર આર્યનગર શેરી નંબર 1/6 ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે દીપકભાઈ નાગજીભાઈ ઉઘાડના મકાનમાં ભાડેથી રહેતા મૂળ મધ્યપ્રદેશના જબલપુરના રાજીબડે પથ્થરના વતની અમિત રાજુ જૈન (ઉવ 29) અને તેનો ભાઈ વિક્કી રાજુ જૈન(ઉવ 26)અને આકાશ રાજુ જૈન રહેતા હોય અમિત અને વિક્કી બન્નેની પત્ની અને બાળકો સાથે રહે છે, જયારે આકાશની પત્ની રીસામણે છે.

આ મકાનના નીચેના માળે સાળો – બનેવી છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા રહેતા હોય બન્ને પરિવાર મકાનના શૌચાલય અને બાથરૂૂમનો સહિયારો ઉપયોગ કરે છે. જે બાબતે બન્નેના પરિવાર વચ્ચે અવારનવાર ઝગડા થતા હોય સોમવારે રાતે આકાશ અને છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા સાથે છોટુની પત્નીની છેડતી કર્યા બાબતે માથાકૂટ થઇ હતી ઝગડો થતા અમિત અને વિક્કી બન્ને ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા બન્ને સાથે મળી અમિત અને વિક્કી ઉપર છરીથી હુમલો કર્યા હતો.

છરીના આડેધડ ઘા ઝીંકાતા બંને ભાઇઓ લોહિયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા અને ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. આ અંગે 108 ને જાણ કરવામાં આવતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે, મેડિકલ ટીમની સારવાર કારગત નીવડી ન હતી અને તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતક અમિત જૈનના પત્ની અમીનાબેનની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવેલી ફરિયાદ પરથી સાળા – બનેવી છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

બનાવની જાણ થતા ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ તેમજ પી.આમ એમ.આર. ગોંડલીયા, એમ.એન.ડામોર સાથે પીએસઆઈ એમ.કે, મોવલીયા, પીએસ આઈ એ.એન.પરમાર તેમજ બી ડીવીઝનના પી.આઈ સુધીર રાણે સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. બેવડી હત્યા મામલે ક્રાઈમ બ્રાંચ અને બી-ડીવીઝન પોલીસે સયુક્ત તપાસ કરી હત્યામાં સંડોવાયેલ છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તાની મોડી રાતે ધરપકડ કરી હતી.

બે સગા ભાઈઓનાં મોતથી પરિવારનો માળો વીંખાયો
મૂળ મધ્યપ્રદેશના જબલપુરના રાજીબડે પથ્થરના વતની ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે દીપકભાઈ નાગજીભાઈ ઉઘાડના મકાનમાં ભાડેથી રહેતા અમિત રાજુ જૈન (ઉવ 29) અને તેનો ભાઈ વિક્કી રાજુ જૈન(ઉવ 26)અને આકાશ રાજુ જૈન ચાંદી કામ કરતા હતા. મૃતક અમિતના લગ્ન 8 વર્ષ પૂર્વે અમીનાબેન સાથે થયા હતા અને સંતાનમાં 1 પુત્ર રાજા (ઉવ 6 માસ) અને પુત્રી (ઉવ 2) છે. જયારે વીકીના લગ્ન સવા વર્ષ પૂર્વે દીનાબેન સાથે થયા હતા જે હાલ રીસામણે છે. જયારે આકાશના લગ્ન અનુબેન સાથે થયા હોય જે પણ હાલ રીસામણે છે. તેના માતા આશાબેનનું 15 વર્ષ પૂર્વે અવસાન થયું હોય ત્રણેય ભાઈઓ પિતા રાજુભાઈ સાથે રાજકોટ રહી ચાંદીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્રણેય ભાઈ માંથી બે ભાઈઓના મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *