ધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોત

ધ્રોલ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા સણોસરા ગામના પાટિયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં મિત્રના ખબર-અંતર પૂછવા જઈ રહેલા ધ્રોલ તાલુકાના ન્યારા ગામના બે…

ધ્રોલ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા સણોસરા ગામના પાટિયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં મિત્રના ખબર-અંતર પૂછવા જઈ રહેલા ધ્રોલ તાલુકાના ન્યારા ગામના બે વૃધ્ધ મિત્રના બાઈકને કાર ચાલકે ઠોકરે ચડાવ્યા હતાં. જે અકસ્માતમાં બન્ને વૃધ્ધ મિત્રના મોત નિપજતાં બન્ને પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ન્યારા ગામે રહેતા અને ખેતીકામ કરતાં દેવેન્દ્રસિંહ જાડેજાના પિતા નટુભા સિદ્દુભા જાડેજા (ઉ.વ. 64) અને તેમના જ ગામના તરસીભાઈ કુરજીભાઈ શિંગાળા (ઉં.વ. 67) બંને જણા સણોસરા ગામે રહેતા પોતાના મિત્ર બાબુભા જાડેજાના ખબર-અંતર પૂછવા માટે મોટરસાઈકલ નંબર ૠ.ઉં. 10 ઉઉં – 9790 લઈને નીકળ્યા હતા. સવારે સાડા દસેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ સણોસરા ગામના પાટિયા પાસે પહોંચી ગામ તરફ વળી રહ્યા હતા, ત્યારે જામનગર તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી અટિંગા કાર નંબર ૠ.ઉં- 03 ખઇંઘ – 2050 ના ચાલકે તેમના મોટરસાઈકલને પાછળથી જોરદાર ફટકાર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરને કારણે બંને વડીલો રોડ પર ફેંકાઈ જતાં તેમને માથાના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત નટુભા જાડેજા અને તળશીભાઈ શિંગાળાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તરશીભાઈ કુરજીભાઈ શિંગાળા બાદ નટુભા જાડેજાનું પણ મોત નીપજ્યું હતું.

બન્ને વૃધ્ધ મિત્રના મોત નિપજતાં પરિવારજનો અને પંથકના લોકોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. બનાવ અંગે નટુભાઈના પુત્ર દેવેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર અટિંગા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *