જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે અવનવા રસપ્રદ કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ઓડીશા રાજ્યમાંથી ટપાલ એટલે કે પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ટીમને મોટી સફળતા મળી છે.
જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસે ઓડીશાથી ભવનાથ પોસ્ટ ઓફિસ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલોગ્રામ કિંમત રૂૂ. 2,11,950 /-વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂૂ. 2,51,950/- ના મુદ્દામાલ સાથે રઇશખાન પઠાણ અને સોહીલ શેખની ધરપકડ કરી છે, જ્યારે અમિત ઉર્ફે ચેમ્પિયન સહિત 5 આરોપીઓ ફરાર છે.
SOG ટીમના પોલીસ કોન્સ્ટેબલ રોહિત ધાધલ તેમજ કૃણાલસિંહ પરમારને ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢના અમિત ઉર્ફે ચેમ્પિયન અને કિરણ રાઠોડ નામના શખ્સોએ ઓડીશા રાજ્યમાંથી ટપાલ સેવા મારફતે પ્રતિબંધિત નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મંગાવેલો છે. આ પાર્સલ ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યું છે.
SOG પોલીસ ટીમ દ્વારા ભવનાથ પોસ્ટ ઓફિસ નજીકના માર્ગ પર સફળ રેઈડ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મેળવવા માટે આવેલા બે શખસોને પોલીસે કોર્ડન કરીને સ્થળ પર જ દબોચી લીધા હતા. તેમની પાસે રહેલા પાર્સલની તપાસ કરતા તેમાંથી 4.239 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 2,11,950 રૂૂપિયા અંકાયેલી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 10,000 રૂૂપિયાની કિંમતનો 1 નંગ મોબાઈલ ફોન તથા 30,000 રૂૂપિયાની કિંમતનું 1 નંગ સુઝુકી એક્સેસ મોટરસાયકલ કબ્જે કર્યું હતું. આમ પોલીસે કુલ મળીને 2,51,950 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ રેઈડ દરમિયાન પોલીસે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 28 વર્ષીય રઇશખાન રહીમખાન યુસુફજઇ પઠાણ, જે જૂનાગઢમાં નરસિંહ સ્કૂલ સામે આવેલી ભટ્ટી શેરીનો રહેવાસી છે, અને 22 વર્ષીય સોહીલ રજાક શેખ, જે જૂનાગઢના સંઘાડીયા બજાર સ્થિત ઝાલોરાપાનો રહેવાસી છે, આ બંને ઈસમોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા બંને આરોપીઓએ નશીલો પદાર્થ મેળવવા માટે સ્થાપિત કાવતરામાં ભાગ ભજવ્યો હતો, જેથી પોલીસે તેમની વિધિવત ધરપકડ કરીને જેલહવાલે કરવાની તજવીજ કરી છે.
