મોરબીમાં ગાંધી ચોકથી સામાંકાઠે જવાના એકમાત્ર માર્ગ તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર દોઢ ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા. વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે કંટાળેલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરીને અને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો છે.
સ્થાનિક વેપારીઓએ મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ સમસ્યા છેલ્લા 15 થી 20 વર્ષથી યથાવત છે.
ગયા વર્ષે કરોડો રૂૂપિયાનો ખર્ચ કરીને નવી ગટર લાઈન અને ભૂંગળા નાખવામાં આવ્યા હતા, પરંતુ પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ સુધરવાના બદલે બગડી છે. દુકાનોમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે માલસામાન બગડે છે અને ચોમાસાના 4 મહિના સુધી વેપારીઓને નવરા બેસી રહેવાનો વારો આવે છે. ગાંધી ચોકથી સામા કાંઠે જવા માટેનો આ એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી અહીં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે દ્વિચક્રી વાહનચાલકો પડી રહ્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આક્રોશિત વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓએ કલેક્ટર, કમિશનર અને છેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિક ધારાસભ્ય કાનાભાઈ પણ આ બાબતે કોઈ ધ્યાન આપતા ન હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે રસ્તા પર વિરોધ કરી રહેલા વેપારીઓને ત્યાંથી હટાવીને બંધ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રસ્તો રોકીને આંદોલન કરવાથી સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક ક્લિયર કરાવવો એ પોલીસની પ્રાથમિક ફરજ છે. વેપારીઓને જે પણ પ્રશ્નો કે રજૂઆત હોય તે માટે મહાનગરપાલિકામાં જઈને લેખિત કે મૌખિક રજૂઆત કરવી, પરંતુ આ રીતે જાહેર રોડ બંધ કરીને ટ્રાફિક જામ ન સર્જવો.
