રાજકોટના બજરંગવાડી-પુનીતનગર વિસ્તારમાં વર્ષ 2017માં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને એનએસએસયુઆઈના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા તથા તેમના ભાઈ ઋતુરાજસિંહ જાડેજાની હત્યાની કોશિશના ચકચારી કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારી છે. એડી. સેશન્સ જજ આઈ.બી. પઠાણની અદાલતે આરોપી અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ ઉર્ફે ઠેડો બલવીરસિંહ જાડેજાને હત્યા તથા હત્યાની કોશિશના ગુનામાં દોષિત ઠેરવ્યા છે.
આ કેસની હકીકત મુજબ તા.29/12/2017ના રોજ બપોરના સમયે ફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા પોતાના મિત્ર સમર્થસિંહ સાથે બુલેટ પર બજરંગવાડીથી ભોમેશ્વર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તેમના માતાનો ફોન આવતા તેઓ પુનીતનગરની ગોળાઈ પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમના ભાઈ જયરાજસિંહ અને આરોપી અજયસિંહ વાળા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ઋતુરાજસિંહે વચ્ચે પડી અજયસિંહને શું થયું તેમ પૂછતા આરોપીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે ભાઈને બચાવવા જયરાજસિંહ વચ્ચે આવતા અજયસિંહે તેમના છાતીના નીચે ડાબી બાજુના પડખામાં છરીનો ઘા મારી દીધો હતો. ત્યારબાદ ઋતુરાજસિંહ પર પણ છરીથી હુમલો કરાયો હતો. ઋતુરાજસિંહે બન્ને હાથે છરી પકડી લેતા તેમના હાથ તથા ડાબા પગના સાથળના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી. દરમિયાન સમર્થસિંહ અને ઋતુરાજસિંહ જયરાજસિંહને બચાવવા વચ્ચે પડતા આરોપી ધનરાજસિંહ ઉર્ફે ઠેડાએ પથ્થર ઉગાવી સમર્થસિંહની પાછળ દોટ મૂકી હતી.
લોકો એકત્ર થતાં બન્ને આરોપીઓ મોટરસાયકલ પર નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા જયરાજસિંહને રાહદારીની બોલેરોમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઋતુરાજસિંહે પણ સારવાર લીધી હતી અને હોસ્પિટલમાં જ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બાતમીના આધારે તા.01/01/2018ના રોજ સરધાર આઉટ પોસ્ટ ચોકી સામે ભાવનગર રોડ પરથી ભાવનગરથી રાજકોટ આવી રહેલી અશ્વમેઘ ટ્રાવેલ્સની ખાનગી બસમાંથી બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. અને ત્યારબાદ ફરીથી ઝડપાયો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ધારાશાસ્ત્રી રક્ષિતભાઈ કલોલાની નિમણૂક કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ઈજા પામેલા ફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા, નજરે જોનાર સાક્ષી સમર્થસિંહ જાડેજા, પોસ્ટમોર્ટમ કરનાર તબીબ, ઓળખ પરેડ કરનાર મામલતદાર સહિત કુલ 14 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી તથા 46 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારપક્ષે સ્પેશિયલ પી.પી. રક્ષિતભાઈ કલોલાએ મૌખિક દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજૂ કર્યા હતા. જ્યારે મૂળ ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી રૂૂપરાજસિંહ પરમારે લેખિત દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજૂ કર્યા હતા. તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈ અદાલતે બન્ને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
અદાલતે આરોપી અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા તથા ધનરાજસિંહ ઉર્ફે ઠેડો બલવીરસિંહ જાડેજાને આઈ.પી.સી. કલમ 302 હેઠળ હત્યાના ગુનામાં આજીવન સખત કેદ તથા રૂૂ.25,000નો દંડ, કલમ 307 હેઠળ હત્યાની કોશિશના ગુનામાં 10 વર્ષની સખત કેદ તથા રૂૂ.10,000નો દંડ તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ 4 માસની સજા તથા રૂૂ.1,000નો દંડ ફટકારવાનો હુકમ તા.04/08/2026ના રોજ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રક્ષિતભાઈ કલોલા તથા મૂળ ફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા વતી ધારાશાસ્ત્રીઓ રૂૂપરાજસિંહ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, રહીમભાઈ હેરંજા, અંકિતભાઈ ભટ્ટ, દિપકભાઈ ભાટિયા, યુવરાજસિંહ ગોહિલ અને પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલા હતા.
