રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જડુસ હોટલ સામેના ઓવરબ્રિજ પાસે ચાર રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા પત્નીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ,અવધ રોડ વૃદાવન આવાસ યોજનામાં રહેતા વિપુલભાઈ નાથાલાલ પડીયા (ઉ.54) પોતાના મોટાભાઈ મહેન્દ્ર હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમને મળવા માટે વહેલી સવારે પોતાની પત્ની હિનાબેનને સાથે લઈને મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા.
તે દરમિયાન પુરઝડપે અને બેફામ રીતે દોડી રહેલી એક સફેદ કલરની કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી દંપતીના મોટરસાઇકલને જોરદાર ટક્કર મારીને હડફેટે લીધું હતું.આ ભયાનક અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર દંપતી રોડ પર ફંગોળાઈને નીચે પટકાયું હતું, જેના કારણે બંનેને શરીરના વિવિધ ભાગોમાં તથા માથા અને પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો.
ત્યારબાદ રાહદારીઓની મદદથી 108 એમ્બ્યુલન્સ બોલાવી બંનેને તાત્કાલિક એચ.જે.દોશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે, આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હિનાબેનનું સારવાર દરમિયાન સિવિલમાં કરુણ મોત નીપજ્યું હતું,જ્યારે પતિ વિપુલભાઈની સારવાર હાલ ચાલુ છે.
આ બનાવ અંગે અકસ્માતવાળી જગ્યાએથી કારની નંબર પ્લેટ મળી આવતા કારની ઓળખ થઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
