45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી

ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…

ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન હડફેટે મહીલાનું મોત નિપજ્યું હોયવાની શંકા બાદ આ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે મહિલાની હત્યા કરનાર તેના પ્રેમીને ઝડપી લઇ પુછપરછ કરતા તે પોપટ બની ગયો હતો, અને હત્યાની કબુલાત આપી હતી. પતિ અને બાળકોને તરછોડી અલગ રહેતી 45 વર્ષીય મહિલાને તેનાથી નાના 25 વર્ષના યુવક સાથે પ્રેમ થયો પરતું યુવકના પરિવારજનો 45 વર્ષની પરિણીતાને સ્વીકારવાની નાં પાડી દેતા ધરાર લગ્ન માટે જીદ કરનાર પ્રેમિકાને ટ્રેન નીચે ફેકી તેની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ નજીક ગુંદાળા ફાટક અને સાંઢીયાપુલ વચ્ચે રેલ્વે ટ્રેક ની બાજુમાં સવારે એક મહિલાનો મૃતદેહ મળી આવતા રેલ્વે પોલીસ અને બી’ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે, બનાવ રેલ્વે પોલીસની હદ માં બન્યો હોય રેલ્વે પોલીસના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.યુ.વાળા,હેડ કોન્સ્ટેબલ મધુરાજસિહ વાળા સહિત પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી હતી.

મૃતક મહીલા પાસે થી મળી આવેલા પર્સ માં તેના પુત્ર નાં મોબાઇલ નંબરના આધારે પરિવારને જાણ કરતા પરિવાર ના સભ્યો ગોંડલ દોડી આવી મૃતદેહ તેની મંજુલાબેન વિનુભાઈ બારૈયા (ઉ.42) હોવાનું જણાવતાં ઓળખ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક મંજુલાબેન નાં પતિ હાલ ભાવનગર રહેછે. અને અલંગ નાં ડેલા માં કામ કરેછે.પતિ પત્નિ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે.મંજુલાબેન ને સંતાન માં બે દિકરા અને બે દિકરીઓ છે.જે પૈકી એક જામનગર તથા બીજી દિકરી જામકંડોરણા સાસરે છે. મોટો દિકરો ભાવેશ હાલ રીબડા રહે છે અને ડ્રાઇવીંગ કામ કરે છે. જ્યારે નાનો દિકરો તેની બહેન ભેગો જામકંડોરણા રહે છે. મંજુલાબેન ગોંડલ નાં વોરાકોટડા રોડ પર આવેલા વિજયનગર માં એકલા રહેતા હતાં.હોટેલ તથા કેટર્સ માં રસોઇ કામ કરી જીવનનિર્વાહ ચલાવતા હતાં.

મંજુલાબેનના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા હોય મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અભિપ્રાયમાં તબીબોએ બનાવ હત્યાનો હોવાનું જણાવ્યું હતું. વહેલી સવારે પાંચ થી છ ની વચ્ચે બનાવ બન્યો હોવાનાં અનુમાન સાથે પોલીસે રહસ્ય સર્જતી ઘટના અંગે તપાસનાં ચક્રોગતિમાન કરી તપાસ કરતા મંજુલાબેન સાથે રિલેશનશીપ માં રહેતાં પ્રકાશ સોલંકી નામના શખ્સ ને ઉઠાવી પુછપરછ કરતા પ્રકાશે મંજુલાની હત્યાની કબુલાત આપી હતી.

પ્રકાશે પોલીસ સમક્ષ જણાવ્યું કે, થોડા સમય પૂર્વે તેનો પરિચય મંજુલા સાથે થયો હતો અને બન્નેએ એકબીજાના ફોન નંબર લીધા હતા અને બન્ને વાતચીત કરતા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબધ બંધાયો હતો. બન્ને લગ્ન કરવા માંગતા હતા, મંજુલ ની ઉમર 45 વર્ષ જયારે પ્રકાશની ઉમર 25 વર્ષ હોય પરિણીત મંજુલાને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા પ્રકાશનો પરિવાર તૈયાર ન હતો, પ્રકાશે મંજુલા સાથે લગ્નનો ઇનકાર કર્યો હતો. પરંતુ મંજુલા ઘરાર પ્રકાશ સાથે લગ્ન કરવા માંગતી હોય તે પ્રકાશને તેની સાથે લગ્ન કરી લેવા જીદ કરતી હતી આથી કંટાળી પ્રકાશે પ્રેમિકા મંજુલાને કાયમી શાંત કરી દેવા પ્લાન બનાવી રેલ્વે ટ્રેક પાસે મળવા બોલાવી ટ્રેન ત્યાંથી પસાર થતી હતી ત્યારે ધક્કો મારી દીધો હતો. રેલ્વે પોલીસના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.યુ.વાળા સહીતના સ્ટાફે આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી પ્રકાશને સકંજામાં લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *