જામનગર જિલ્લાના લાખાબાવળ વિસ્તારમાં આવેલ લીલાવતી નેચર ક્યોર સેન્ટરમાં ગાયો અને વાછરડાઓની હાલત અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે સમાજમાં ભારે ચકચાર મચી છે અને જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સેન્ટરના કેમ્પસમાં એક દર્દીએ શ્વાનના મોઢામાં મૃત વાછરડાનો પગ જોયાનો દાવો કરીને તેનો વીડિયો પણ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના સામે આવતાં સંસ્થાના કેટલાક ચેરમેન અને ટ્રસ્ટીઓમાં ભારે આક્રોશ ફેલાયો હોવાનું સૂત્રો જણાવે છે.
આ મામલે એક ટ્રસ્ટી રમણીક શાહ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપ છે કે તેમના સંકળાયેલા ટ્રસ્ટ દ્વારા ગાયો માટે સરકાર પાસેથી સહાય લેવામાં આવે છે, પરંતુ ગાયોની યોગ્ય સંભાળ રાખવામાં આવતી નથી. ગાયો ખુલ્લામાં રાખવામાં આવતી હોવા, પૂરતું પાણી અને ખોરાક ન મળતો હોવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ અને શ્રીમતી પાનીબાઈ ગૌશાળાના નામે ગાયો રાખવામાં આવી રહી છે, જ્યારે લીલાવતી નેચર ક્યોર સેન્ટરના ટ્રસ્ટમાં ગૌશાળા ચલાવવાની જોગવાઈ ન હોવા છતાં ગાયો ત્યાં રાખવામાં આવતી હોવાનો પણ પ્રશ્ન ઉઠ્યો છે. જેના કારણે સરકારની સહાય ક્યાં વપરાય છે, તે મુદ્દે શંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક સ્તરે પણ આ મામલે વિરોધ જોવા મળ્યો હતો. ગામલોકોએ ગાયો લઈ જવા આવેલા વાહનોને રોકી દેતાં ગામનું નામ વાપરી ગાયો પર અત્યાચાર નહીં થવા દઈએ એવી પ્રતિક્રિયા આપી હોવાનું કહેવાય છે.
આ સાથે જ સંસ્થામાં આંતરિક વિવાદો પણ સપાટી પર આવ્યા હોવાનું કહેવાય છે. સ્ટાફ અને સંકળાયેલા લોકો પર દબાણ, ધમકીઓ અને સંસ્થા બંધ રાખવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થામાં અચાનક વધારો કરાયો હોવાના મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે.
મામલે કેટલાક ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ ચર્ચા ચાલી રહી છે, જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી. આ સમગ્ર મુદ્દે સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો ગાયો પ્રત્યેના અત્યાચાર અને સરકારી સહાયના દુરુપયોગ મામલે કડક કાર્યવાહી કરવાની જરૂૂરિયાત વ્યક્ત થઈ રહી છે.
