ટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી: રશિયાથી તેલ ખરીદી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ છે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું ફરી છટક્યું છે અને ટ્રમ્પે રશિયા સામે કડક પ્રતિબંધો સંબંધિત લાદતા બિલને મંજૂરી આપી દેતાં આખી દુનિયા ઉંચીનીચી થઈ ગઈ છે.…

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું ફરી છટક્યું છે અને ટ્રમ્પે રશિયા સામે કડક પ્રતિબંધો સંબંધિત લાદતા બિલને મંજૂરી આપી દેતાં આખી દુનિયા ઉંચીનીચી થઈ ગઈ છે. ભારત પણ ઊંચુંનીચું થઈ ગયું છે કેમ કે, આ બિલમાં રશિયા સાથે ધંધો કરનારા તમામ દેશોને ઝપટમાં લેવાની જોગવાઈ છે. ખાસ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશોનો વારો પડી જશે. અને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500 ટકા સુધી ટેરિફ ઠોકી દેવાય એવી જોગવાઈ છે. ભારત અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરિફમાં જ હાંફવા માંડયું છે તો 500 ટકા ટેરિફ લદાય તો શું થાય એ વિચારે ચિંતા થાય એ સ્વાભાવિક છે.

આપણે સાવ લાંબા જ થઈ જઈએ ને અમેરિકામાં નિકાસ સાવ બંધ જ થઈ જાય. ટ્રમ્પે ટેરિફ લાદી તેના કારણે ભારતને કોઈ અસર થઈ નથી કે ભારત અમેરિકાને ઘૂંટણિયે નથી પડી ગયું એવી છાપ ઉભી કરવા મથામણ ચાલે છે પણ આ બંને વાતો ખોટી છે. ટ્રમ્પના ટેરિફના કારણે ભારતની નિકાસને લગભગ 25 ટકા ફટકો પડી ગયો છે એવું સત્તાવાર આંકડા કહે છે. ગ્લોબલ ટ્રેડ રીસર્ચ ઈનિશિયેટિવના આંકડા પ્રમાણે, 2025ના જુલાઈમાં ભારતે અમેરિકામાં 8 અબજ ડોલરની નિકાસ કરી હતી. ઓક્ટોબરમાં આ નિકાસ ઘટીને 6.31 અબજ ડોલર થઈ ગઈ છે. મતલબ કે, લગભગ બાવીસ ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં તો આ નિકાસ 30 ટકાથી વધારે ઘટીને 5.50 અબજ ડોલર જ થઈ ગઈ હતી.

ભારતે રશિયા પાસેથી ક્રૂડ લેવાનું ઓછું કરવા માંડ્યું તેથી ટ્રમ્પને દયા આવી તેમાં કેટલાંક અટવાયેલા ટ્રેડ ડીલ ક્લીયર થયા તેથી નિકાસ થોડી વધી છે પણ આ સ્થિતિ કાયમી રહેવાની નથી. ટ્રમ્પનું ફરી છટક્યું છે એ જોતાં ગમે ત્યારે તલવાર વિઝાશે જ. ભારત અમેરિકા સામે ઝૂકે તેમાં ખોટું નથી કેમ કે રશિયા કરતાં ભારતનાં આર્થિક હિતો અમેરિકા સાથે વધારે પ્રમાણમાં જોડાયેલાં છે. રશિયા ભારતને સસ્તું ક્રૂડ આપે છે પણ ભારત પાસેથી જંગી : પ્રમાણમાં માલ લઈ શકતું નથી કેમ કે રશિયા પાસે મોટું માર્કેટ નથી. તેની સામે અમેરિકા રીઝે તો ભારત માટે મોટા પ્રમાણમાં પોતાનો માલ ઠાલવવાની તક આવી જાય. તેના કારણે ભારતના અર્થતંત્રની શિકલ જ બદલાઈ જાય. બન્ને દેશો વચ્ચે વેપાર કરારમાં મોદી અડવાણી રશિયા પાસેથી ઓઇલની ખરીદી અને કૃષિ આયાતો છે. અમુક ખેતી ઉત્પાદનોની આયાત પર જકાત ઘટાડી અમેરિકાને ખુશ કરી શકાય પણ રશિયન ઓઇલની ખરીદી સાવ બંધ કરવી ભારત માટે મુશ્કેલ છે.

આ સંજોગોમાં ભારતની રાજદ્વારી કુનેહની કસોટી છે. ટ્રમ્પ 500 ટકા ટેરિફ લાદી દે તો જખ મારીને તેના પગમાં પડવું જ પડશે તેના કરતાં અત્યારે જ વટનાં ગાજર ખાવાના બદલે : અમેરિકા સાથે સારાસારી રાખવા માટે મથીએ છીએ એવું સ્વીકારવું જોઈએ. આ વાતનો સ્વીકાર કરવામાં નાના થઈ જવાના નથી પણ સરકાર આ વાત સ્વીકારતી નથી. તેના બદલે ભારત વિશ્વગુરૂૂ છે ને આખી દુનિયા ભારતના પગમાં આળોટે છે એવું ભ્રામક ચિત્ર ઊભું કરવા ફાંફાં મરાય છે. તેના કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે, દેશને નુકસાન થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *