પુત્રની ઓફિસેથી ઘરે જતા વૃદ્ધને ઠોકરે ચડાવતા ઘટના સ્થળે જ દમ તોડ્યો
શહેરમાં બેફામ બનેલા ટ્રક ચાલકો અવાર નવાર નિર્દોશ લોકોના ભોગ લઇ રહ્યા છે. પૂરપાટ ઝડપે દોડતા ટ્રક ચાલકો વાહનોને ઠોકરે ચડાવી અકસ્માત સર્જી રહ્યા છે. હજૂ બે દિવસ પહેલા મોરબી રોડ પર ટ્રક ચાલકે બાઇક સવાર પિતા પુત્રને ઠોકરે ચડાવતા પિતાની નજર સામે જ માસુમ પુત્રનું મોત નીપજ્યુ હતું. જયારે કુવાડવા હાઇવે પર પણ ટ્રકની ઠોકરે ચડી જતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. ત્યારે આજે માધાપર ચોકડી નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રક ચાલકે અડફેટે લેતા રાહદારી વૃધ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી નજીક ગોલ્ડન પોટ્રીકોલ એપાર્ટમેન્ટમાં ડી વિંગમાં રહેતા જીતેન્દ્રભાઇ મહીકૃષ્ણભાઇ મજેઠીયા (ઉ.વ.74) નામના વૃધ્ધ આજે સવારે માધાપર ચોકડીથી ચાલીને ઘરે જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા વૃધ્ધ ટ્રકના પાછળના વ્હિલમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
