અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાને મીડિયા સુધી ન પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ આવી જ બે ઘટનાઓ બની ચૂકી છે. એક ઘટનામાં તો ટ્રેનિંગ સેન્ટરના પાઇલટનું પ્લેન ક્રેશ થવાથી આગ લાગી હતી અને પાઇલટનું મૃત્યુ થયું હતું.
અમરેલીના પ્રાંત અધિકારી મહેશ નાકીયાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટ મેનેજરના કહેવા મુજબ, પ્લેન રનવે પર આવતા જ સ્લીપ ખાઈ ગયું હતું. તેમણે પણ કોઈ જાનહાનિ ન થઈ હોવાની અને અગાઉ પણ આવી એક ઘટના બની હોવાની વાત સ્વીકારી હતી.
આ અગાઉ 28/09/2025ના રોજ અમરેલી એરપોર્ટ પર એક ટ્રેનિંગ પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે, ટ્રેનિંગ લઈ રહેલા પાયલોટનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
