વેપારીઓએ રોડ પર રામધૂન બોલાવી મ્યુનિ. કમિશનરને આપેલુ આવેદનપત્ર, ધારાસભ્યો-પદાધિકારીઓ પણ દોડ્યા
પ્રથમ પાથરણા વાળાઓનો સામન ઉપાડશો તો અમારે બહાર સામાન રાખવાની જરૂર જ નહીં પડે: વેપારી એસોસિએશન
લાખાજીરાજ રોડ પર ગેરકાયદેસર બેસતા ફેરીયાઓ સામે વેપારીઓમાં ફરી વખત રોષ વ્પાયો છે અને પાથરણાઓના દબાણો દુર કરવાના મુદ્દે આજે વેપારી એસોસીએશનને ધંધા રોજગાર બંધ રાખી રોડ ઉપર બેસી રામધૂન બોલાવી દબાણો કાયમી માટે દુર કરવામાં આવે તે સહિતના મુદ્દે મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવતા તંત્રમાં દોડાદોડી જઇ પડી હતી અને ધારાસભ્યો તથા સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાએ મ્યુનિ.કમિશનર અને વેપારીઓ સાથે ચર્ચા કરી કમિશનરે રોજેરોજ ડ્રાઇવ યોજી દરેક દબાણને દબાણ સમજી દુર કરવાના આદેશ જગ્યા રોકાણ વિભાગને આપી આજથી કામગીરી શરૂ કરવાની સુચના આપી હતી.
રાજકોટ શહેરના વર્ષો જૂના લાખાજીરાજ રોડ ઉપર ખરીદી કરવાનો કેઝ લોકોમાં રહ્યો છે. દરેક પ્રકારના ધંધાર્થીઓ કરોડો રૂપિયાની દુકાનો લઇ અવનવી આઇટમનો વેપાર કરી રહ્યો છે. આ બજારમાં સૌરાષ્ટ્રભરમાંથી ગ્રાહકો ઉમટી પડે છે. પરંતુ તહેવારો દરમિયાન અને અન્ય દિવસોમાં પણ લાખાજીરાજ રોડની તમામ દુકાનો આગળ પાથરણા વાળાઓ દબાણ કરી દુકાનોમાં આવતા ગ્રાહકોને સસ્તા ભાવે ટકલાદી માલ વેચતા દુકાનદારોને નુકસાની વેઢવાનો વારો આવી રહ્યો છે અને આ મુદ્દે અગાઉ વેપારી એસોસીએશન દ્વારા મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવામાં આવેલ જે તે સમયે ધારાસભ્ય દ્વારા મધ્યસ્થ કરી પાથરણા વાળાઓને અલગથી જગ્યા ફાળવી જગ્યા રોકાણ વિભાગ દ્વારા ડેઇલી ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
જે થોડા દિવસ બાદ બંધ થઇ જતા પાથરણા વાળાઓ ફરી વખત મુળ જગ્યાએ ગોઠવાઇ દબાણો કરવા લાગતા અંતે વેપારી એસોસીએશને ગઇકાલે દબાણો દુર કરવામાં નહી આવેતો આંદોલનની ચીમકી આપી આજે લાખાજીરાજ રોડનુ બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું અને સવારથી વેપાર ધંધા બંધ રાખી વેપારીઓએ રામધૂન બોલાવી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રાયસ કરેલ જેના પગલે તંત્ર પણ દોડતુ થઇ ગયેલ અગાઉ મધ્યસ્થ થયેલ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા કોર્પોરેશન ખાતે દોડી ગયા હતા જયા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે તથા નેહલભાઇ શુકલ સહિતના મ્યુનિ.કમિશનર પાસે દોડી ગયા હતા જયા રજૂઆત કરવા આવેલ લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશનના હોદેદારોની રજૂઆત સાંભળી હતી.
લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશનની રજૂઆત બાદ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જગ્યા રોકાણ વિભાગના અધિકારીઓને બોલાવી આ મુદ્દે તાત્કાલીક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તેમજ વેપારીઓને પણ દુકાનની બહાર દબાણ ન કરવાની સુચના આપી કોઇ જાતનુ દબાણ ચલાવી લેવામાં નહીં આવે જે પાથરણાવાળાનું હોય કે દુકાનદારનુ તેમ જણાવી રોજેરોજ ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવશે અને જરૂર પડ્યે પોલીસ પાસે બંદોબસ્ત માંગી અહીથી ભાગેલા પાથરણાવાળાઓ બીજે ન છુપાઇ જાય એટલા માટે સમગ્ર વિસ્તારમાં ડ્રાઇવ કરવામાં આવશે આ આદેશને ત્રણેય ધારાસભ્યે ટેકો આપી કડક ડ્રાઇવ કરવામાં આવે તેમ જણાવ્યુ હતું.
રોજ પોલીસ બંદોબસ્ત ગોઠવો ખર્ચો હુ આપીશ: નેહલ શુકલ
લાખાજીરાજ રોડ પ્રકરણમાં મીટિંગમાં હાજર રહેલા કોર્પોરેટર નેહલ શુકલે કમિશનર અને ધારાસભ્ય સહિતનાને સંબોધન કરી જણાવેલ કે, લાખાજીરાજ રોડ ઉપર કાયમી બંદોબસ્ત મુકવો જોઇએ પોલીસ વિભાગ પાસે કાયમી બંદોબસ્ત માંગી ન શકીયે પરંતુ રોજેરોજ બંદોબસ્ત મુકવા માટે પોલીસ વિભાગને નિયત ફી ચુકવી પડે છે. ત્યારે લાખાજીરાજ રોડના વેપારીઓનો પ્રશ્ર્ન હલ થતો હોય અને કાયમી પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂરીયાત ઉભી થયા તો તમામ ખર્ચ આપવા માટે હું તૈયાર છું.
પરાબજાર, ધર્મેન્દ્ર રોડ સહિતના વેપારીઓનો શું વાંક ? ધારાસભ્યો
લાખાજીરાજ રોડ પ્રકરણનું આજે નિવારણ કરવામાં આવ્યુ છે. પરંતુ વેપારીઓની રજૂઆત વખતે ઉપસ્થિત રહેલ ધારાસભ્યોએ વધુમાં જણાવેલ કે, શહેરના લાખાજીરાજ રોડ સિવાય અને જુના વિસ્તારોની બજારોમાં આ પ્રશ્ર્ન વેપારીઓને પરેશાન કરી રહ્યો છે. ધર્મેન્દ્ર રોડ, પરાબજાર સહિતના સતત ગ્રાહકોથી ધમધમતા અને મોટા વેપારી એકમો ધરાવતા રોડ ઉપર પાર્કિંગની સાથોસાથ ફેરીયાઓના દબાણો વર્ષોથી આજે પણ યથાવત છે. તો લાખાજીરાજ રોડની સાથોસાથ અન્ય બજારોમાં પણ દબાણ હટાવ કામગીરી થઇ જોઇએ. આથી મ્યુનિ.કમિશનરે જણાવેલ કે, તમામ બજારોમાં હવે નિયમીત રીતે રોજેરોજ ડ્રાઇવ યોજી ઝડપથી દબાણોનો પ્રશ્ર્ન હલ કરવામાં આવશે. અને તેના માટે અલગથી ટીમ બનાવી રોજેરોજ ડ્રાઇવ યોજાશે.
પાથરણાના દબાણ સામે રોજેરોજ ચેકિંગ, વેપારીઓના દબાણ પણ ચલાવી નહીં લેવાય: મ્યુનિ.કમિશનરની સાફ વાત
લાખાજીરાજ રોડના વેપારીઓ દ્વારા પાથરણાના ત્રાસ અંગે મ્યુનિ.કમિશનરને આવદેન પાઠવી દબાણ હટાવવાની રજૂઆત કરવામાં આવેલ તેવી જ રીતે ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાએ પણ આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવો શુર વ્યકત કરતા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ વેપારીઓને જણાવેલ કે, દરેક પ્રકારના દબાણ હવેથી દબાણ જ કહેવાસે જેનુ રોજેરોજ ચેકિંગ કરવામાં આવશે. પાથરણા વાળાઓના દબાણો તો હટાવાશે પરંતુ વેપારીઓ દ્વારા કરવામાં આવેલ એક પણ દબાણો ચલાવી લેવાશે નહીં તેમ જગ્યા રોકાણ વિભાગને આદેશ આપી રોડ ઉપર થતા વેપારીઓ અને પાથરણા વાળાઓના તમામ દબાણો જપ્ત કરવાની સુચના આપી આજથી કાર્યવાહી શરૂ કરવામાં આવે અને રોજેરોજ સવારથી સાંજ સુધી ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાંં આવે તેમ જણાવ્યું હતું.
આખા ગામમાં દબાણો હટાવાય છે, તો લાખાજીરાજ રોડ ઉપર કેમ નહીં ?: મીટિંગ-સિટિંગમાં અમને પણ બોલાવો: વેપારીઓ
લાખાજીરાજ રોડના વેપારીઓએ પાથરણાઓના ત્રાસ સામે બંધ યોજી મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી હતી જે પ્રશ્ર્ન આજે હલ થઇ ગયો છે. પરંતુ અમુક વેપારીઓએ જણાવેલ કે, શહેરભરમાં દબાણ હટાવ વિભાગ દ્વારા રોજેરોજ રોડ ઉપરના દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ રૂટીન કામગીરી લાખાજીરાજ રોડ ઉપર કેમ કરવામાં આવતી નથી તેમજ વેપારીઓની રજૂઆત થયા ત્યારે ધારાસભ્યો-મેયર-ચેરમેન-મનપાના અધિકારીઓ દ્વારા મીટિંગ યોજી નિર્ણય લેવામાં આવે છે. પરંતુ તેની અસર જોવા મળતી નથી. તો આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે ત્યારે મીટિંગ-સિટીંગમાં અમને પણ બોલાવવા જોઇએ તેમ જણાવી છેલ્લા ઘણા સમયથી ઉભા થયેલા આ પ્રશ્ર્નો ઉકેલ કાઢવામાં ધારાસભ્યો સહિતનાઓ પણ આજ સુધી નિષ્ફળ રહ્યા છો તેવુ સાનમાં સમજાવી દીધુ હતું.
