રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (ઉ.વ.58)એ ગઇકાલે પોતાની ઉપર પીઆઈ સંજય પાદરિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો કર્યાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જો કે આ હાઈપ્રોફાઈલ ઘટનામાં ખોડલધામના પ્રવક્તાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં આરોપી પીઆઈ સંજય પાદરિયા જૂનાગઢના ચોકી ખાતેના એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે.તેમજ હાલ તેમનો ઓર્ડર વડોદરા ટ્રેનિંગ સેન્ટર પર કરી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.રાજકોટના કેસમાં આરોપી તરીકે એક પીઆઇ પાદરિયાની સંડોવણી ખૂલી હોવાથી તપાસ એસીપીને સોંપવામાં આવી છે.
રાજકોટમાં ભાજપના આગેવાન અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા ઉપર થયેલા ખૂની હુમલામાં પીઆઈ પાદરિયાની સીધી સંડોવણી ખૂલતા ચર્ચા જાગી છે.આ પીઆઈને પકડવા માટે રાજકોટ પોલીસની જુદી-જુદી ટીમો કામ કરી રહી છે.હાલ તેમના રહેઠાણ સ્થળો પર પોલીસે જૂનાગઢ સહિતના સ્થળો પર દરોડા પાડ્યા હતા.જોકે પીઆઇ સંજય પાદરિયા મળી આવ્યા નહોતા અને પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અન્ય જિલ્લાના પોલીસ કંટ્રોલમાં પણ આ અંગે આરોપી પાદરિયા ફરાર હોવાનું જણાવ્યું હતું.
તપાસ કરનાર એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું કે,ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.ફૂટેજ ક્લીયર નહીં હોવાથી ખરેખર પિસ્તોલ જેવા હથિયારનો ઉપયોગ થયો છે કે પછી બીજા કોઇ હથિયારનો તે પણ હજુ સ્પષ્ટ થયું નથી.હથિયાર બાબતે આરોપી પકડાયા પછી જ સ્પષ્ટતા થશે.
સ્થળ પરથી જયંતિભાઈના લોહીના નિશાન અને તેણે પહેરેલી માળાના નાના મણકા મળી આવ્યા છે.જ્યારે આરોપી પીઆઈના શર્ટના બટન મળી આવ્યા છે જે બધું ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.