મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનમાંથી આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ== છે. દરમિયાન, શિવસેનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં.
શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના ચહેરા પર લડવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ વાત સ્વીકારે છે. તેથી શિંદે મુખ્યમંત્રી બનવા માટે લાયક છે.
તેમણે કહ્યું કે અમારી માંગ છે કે જે ચહેરો આગળ આવ્યો છે તેને પ્રાથમિકતા આપવામાં આવે. જો ભાજપ અમારી માંગ પૂરી કરશે તો લોકોમાં સારો સંદેશ જશે. જો એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તો અમને આવનારી ચૂંટણીમાં ફાયદો થશે. શિંદેના કારણે જ મહાયુતિને ચૂંટણીમાં ફાયદો થયો છે.
દરમિયાન, સીએમ પદની ખેંચતાણ બાદ ફડણવીસને દિલ્હી બોલાવ્યા છે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બાદ તેમણે સીએમના નામનો ફોડ પાડ્યો નહોતો પણ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળી નિર્ણય કરશે.
અગાઉના અહેવાલો મુજબ મહાયુતિની જોરદાર જીત બાદ મહાયુતિ સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ ભાજપના મુખ્યમંત્રી પદ માટે આગળ આવી રહ્યું છે. જોકે પક્ષની નેતાગીરી હજુ સુધી આ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી અને એવી અટકળો ચાલી રહી છે કે, ભાજપ નેતૃત્વ કેટલાક અન્ય નામો પર પણ વિચાર કરી રહી છે. જેમાં ઓબીસી અને મરાઠા સમુદાયના નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વિકલ્પ પણ સામેલ છે. તે લગભગ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી ભાજપના હશે જ્યારે ઉપમુખ્યમંત્રી પદ માટે એનસીપી અને શિવસેનાના નેતાઓ હશે. શિંદે રાજ્ય સરકારમાં પણ સામેલ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને તેમના પુત્રને રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી ફોર્મ્યુલા પણ ચર્ચાઈ રહી છે.
