ગોંડલ પાસે પુલ નીચે કાર ખાબકતા આગમાં ત્રણ શિક્ષક ભડથું

રાજકોટ જિલ્લાના ગોંડલ આટકોટ રસ્તા પર આજે કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક કાર પુલથી આઠ ફૂટ નીચે ખાડામાં ખાબકતા કારમાં ભીષણ…

રાજકોટ જિલ્લાના ગોંડલ આટકોટ રસ્તા પર આજે કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક કાર પુલથી આઠ ફૂટ નીચે ખાડામાં ખાબકતા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર છોટાઉદેપુરના ત્રણેય શિક્ષક કારમાંથી બહાર નીકળે તે પહેલા જ ભડથું થઇ ગયા હતા અને તેઓને બચવાની તક મળી ન હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો અને અંદરથી માત્ર ત્રણેય શિક્ષકોના અવશેષો મળ્યા હતા. ત્યારબાદ પોલીસ અને ફાયરબ્રિગેડના સ્ટાફે કારના પતરા કટર વડે તોડી ત્રણેયના હાડપીંજર બની ગયેલા મૃતદેહો બહાર કાઢયા હતા અને તેમના પરિવારજનોને બનાવની જાણ કરી હતી.

વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માતનો કોલ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, છોટા ઉદેપુરથી ગોંડલ તરફ પૂરઝડપે જઈ રહેલી ઓરા કાર (નં.ૠઉં 34 ગ 0962)ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે ઉતરી 8 ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ ઈંધણ લીકેજ કે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર પટકાવાને કારણે તેના દરવાજા જામ થઈ ગયા હતા, પરિણામે પ્રયાગકુમાર ગણપતસિંહ બારીયા, (ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર), આશાબેન સત્યપાલ ચૌધરી, (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર) અને નિતાબેન એન્થની પટેલ (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર) બહાર નીકળી શક્યા ન હતા અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાના ફાયર જવાનો અજયસિંહ વાળા, જયેશભાઇ સોજીત્રા, દિવ્યરાજસિંહ ઝાલા અને સતુભા જાડેજાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારસવાર લોકો સંપૂર્ણ બળીને ભડથું થઈ ગયા હતા. કાર પડીકું વળી ગઈ હોવાથી સ્પેશિયલ રેસ્ક્યૂ ફાયર ફાઈટરની મદદથી હાઇડ્રોલીક અને સાદા કટર વડે ગાડીના દરવાજા કાપવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ અંદરથી હાડપિંજર બની ગયેલા ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસના ઈંઙજ ડો. નવીન ચક્રવર્તી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સળગેલી ગાડીની તપાસ દરમિયાન પોલીસને એક પર્સ મળી આવ્યું છે. આ પર્સમાં રહેલા દસ્તાવેજો અને ગાડીના ચેસિસ નંબરના આધારે મૃતકોની ઓળખ થઇ ગઇ છે. હાલ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ માટે રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે ખસેડવામાં આવ્યા છે.

શિક્ષિકા આશાબેન ગોંડલ ગુરુકુળમાં પોતાના બીમાર પુત્રને મળે તે પહેલા જ રસ્તામાં મોત મળ્યું
આશાબેનનો દીકરો હેતકુમાર વિજયભાઈ રાઠવા ગોંડલ ગુરુકુળમાં અભ્યાસ કરે છે. ગત રાત્રે ગોંડલ ગુરુકુળમાંથી આશાબેન પર ફોન આવ્યો હતો કે, તેમનો દીકરો બીમાર છે, તો આવીને લઇ જાવ. જેથી આશાબેને રાત્રે જ બાળકને લેવા માટે ગોંડલ જવાનું નક્કી કર્યું. પરંતુ રાત હોવાથી આશાબેને પોતાની સાથે નોકરી કરતાં નિતાબેનને પણ સાથે આવવા કહ્યું હતું. જો કે, વાહનના અભાવે અને બંને મહિલાનું રાત્રે જવું યોગ્ય ન રહેતાં મોટી સઢલી પ્રાથમિક શાળાના ગૃપાચાર્ય પ્રયાગભાઇ પોતાની ગાડી લઇને ત્રણેય જણા રાત્રે જ ગોંડલ જવા રવાના થયા હતા. જો કે, આ આશાબેન પોતાના દીકરાને મળે તે પહેલાં જ રસ્તામાં આ અકસ્માત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *