કોઠારીયા રોડ પર કૈલાશ પાર્કમાં રહેતા અને સાડીનો વેપાર કરતા જયાબેન રમેશભાઈ ગરનારા(ઉ.વ.57) સહિત ત્રણ સાથે સાડીનો વેપાર કરતી પ્રિતી બિપીનભાઈ કારેલીયા (રહે. અરાઈઝ-2, એસઆરપી કેમ્પ પાસે, ન્યુ 150 ફૂટ રીંગ રોડ) એ અલગ-અલગ બહાને કટકે-કટકે રોકડ અને ઘરેણાં લઈ જઈ પરત નહીં આપી રૂૂા.6.31 લાખની છેતરપિંડી કર્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વધુ વિગતો મુજબ,કોઠારીયા રોડ પર કૈલાશ પાર્ક-3માં રહેતા અને સાડીનો વેપાર કરતા જયાબેન રમેશભાઈ ગરનારાએ આજીડેમ પોલીસમાં દોઢસો ફૂટ રોડના અરાઈઝ 2 એસઆરપી કેમ્પ પાસે રહેતી પ્રિતિબેન બિપીનભાઈ કારેલીયા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી સાડીનો વેપાર કરતા હોય જેથી પ્રિતિ સાથે 20 વર્ષથી પરિચીત છે. અવાર નવાર પ્રિતિ તેણી પાસે નાની-મોટી રકમ હાથ ઉછીની લઈ જઈ પરત આપી દેતી હતી.વર્ષ 2019માં પ્રિતિની કારનું અકસ્માત થયેલ હોય જેથી તેણી પાસે રૂૂ.1.10 લાખ ઉછીના માંગેલ પરંતુ તેણી પાસે ન હોય જેથી તેને પોતાના સોનાના દાગીના ફાઈનાન્સમાં મુકી પૈસા આપેલ બાદ લોન રૂૂ.1.55 લાખની રીન્યુ કરાવેલ છતાં પ્રિતિએ પૈસા ભરપાઈ ન કરતા તેણીના દાગીના હરાજી થઈ ગયેલ હતા.
બાદ પ્રિતિના પરિવારમાં લગ્ન આવતા હોય જેથી તેણી પાસેથી સોનાનો ચેઈન, બુટી પહેરવા આપો પ્રસંગ પૂર્ણ થશે એટલે પરત આપી દઈશ તેમ કહી લઈ ગયેલ હતી.
બાદ પ્રસંગ પૂર્ણ થઈ જતા તેણી પોતાના દાગીના પરત લેવા જતા પ્રિતિએ કયાંક મુકાઈ ગયેલ છે. ગોતીને પરત આપી દઈશ કહી બહાના બનાવ્યા હતા.બાદ તેનું મકાન વેચાઈ જતા તેણીએ આપેલ રૂૂ.3.05 લાખ તથા દાગીના પરત લેવા જતા બહાના જ આપ્યા હતા.તેમજ તેણીની શેરીમાં રહેતા ભીમજીભાઈ પાસેથી પણ પ્રિતિ 50 હજાર લઈ ગયેલ હતું.તથા તેના ઘરમાં ઘરવખરીનો સામાન ન હોય જેથીએ તેના જાણીતા પ્રોવિઝન સ્ટોર વાળા લવજીભાઈને ત્યાંથી બાકીમાં રૂૂ.25,670નું કરીયાણું લઈ દીધેલ હોય તેના પણ પૈસા ચુકવ્યા ન હતા. આમ કુલ રૂૂ.6.31 લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
