ભાવનગર: જિલ્લાના નાગધણીબા ગામે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોતાના જ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શખ્સ પાસે બાકી નીકળતા પૈસાની માંગણી કરવી ખેડૂતને ભારે પડી છે. ભાગિયાએ અન્ય ત્રણ શખ્સો સાથે મળી ખેડૂતને રસ્તામાં આંતરી, જીવલેણ હુમલો કરી રૂૂ.3 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામના રહેવાસી અશોકભાઈ ઇટાલિયાએ તેમના ખેતરમાં સંજયભાઈ પરમાર નામના શખ્સને ચાર મહિના માટે ભાગિયા તરીકે રાખ્યો હતો. ખેતીકામ પૂર્ણ થયા બાદ હિસાબ કરતા સંજયભાઈ પાસેથી અશોકભાઈને રૂૂ.15,500 લેવાના નીકળતા હતા. આ રકમની અવારનવાર ઉઘરાણી કરવા છતાં સંજયભાઈએ પૈસા આપવાને બદલે ફોન પર અભદ્ર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગઈકાલે જ્યારે અશોકભાઈ પોતાના ગામ નાગધણીબાથી ભંડારિયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સંજયભાઈ અને તેના અન્ય ત્રણ સાથીદારોએ અશોકભાઈની ગાડી આંતરી હતી. આરોપીઓએ અશોકભાઈને ગાડીમાંથી બહાર ખેંચી ઢોર માર માર્યો હતો અને તેમના ગળામાં રહેલ સોનાનો ચેન તથા હાથની બે સોનાની વીંટી, જેની અંદાજિત કિંમત રૂૂ.3 લાખ છે, તેની લૂંટ ચલાવી હતી.
ઇજાગ્રસ્ત ખેડૂત અશોકભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, ખેડૂત પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરતથી પાટીદાર અગ્રણી વિજય માંગુકિયા સહિત ભાવનગર જિલ્લાના આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. આગેવાનોએ પીડિત ખેડૂતને સાંત્વના પાઠવી હતી અને આવા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસે લૂંટ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
