સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ઓપરેશન ‘ડિસ કનેકશન’ પાર્ટ-2

સવારથી પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની ટુકડીઓ ઉતરી પડી બાકીદારોના વીજ જોડાણો ઉપર કાતર, ગુનેગારો પણ ઝપટે ચડયા સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલભર્યા વગર વિજળી વાપરતા ગ્રાહકો…

સવારથી પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની ટુકડીઓ ઉતરી પડી

બાકીદારોના વીજ જોડાણો ઉપર કાતર, ગુનેગારો પણ ઝપટે ચડયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલભર્યા વગર વિજળી વાપરતા ગ્રાહકો સામે આજથી પીજીવીસીએલ દ્વારા ‘મેગા ડિસકનેકશન ડ્રાઇવ’નો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે. આજે સવારથી સજજડ પોલીસ બંદોબસ્ત વચ્ચે પીજીવીસીએલની ટુકડીઓ વિવિધ શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરી પડી છે અને બાકીદારોના દરવાજે ટકોરા દઇ વીજ જોડાણો ઉપર કાતર ફેરવવાનું શરૂ કરાયું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં 67 લાખ જેટલા બાકીદારો પાસેથી વીજબીલની વસુલાત માટે 15 દિવસ પહેલા પણ મેગા ડિસ કનેકશન ડ્રાઇવ શરૂ કરાઇ હતી. ત્યારબાદ આજે આ ડ્રાઇવનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે. પીજીવીસીએલ અને પોલીસે ગેરકાયદેસર વીજ કનેક્શનો શોધવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં પીજીવીસીએલની ટીમો અને પોલીસ કર્મચારીઓ જોડાયા છે.

કાર્યવાહી દરમિયાન બુટલેગરો અને અસામાજિક તત્વોના ઘરોમાંથી મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. ખાસ કરીને, લાખણકા ગામમાં સરપંચ સહિતના કેટલાક લોકોના ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શનો મળી આવ્યા હતા. પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ ગેરકાયદેસર વીજ કનેક્શનો ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી, હીટર અને એસી સહિતનો મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આ અંગે માહિતી આપી હતી.

ભાયાવદર
ઉપલેટા ના ભાયાવદર પીજીવીસીએલ સબડિવિઝન ના ડેપ્યુટી ઇન્જિનિયર મોદીની યાદી મુજબ રાજકોટ જિલ્લા ના તમામ વીજ ગ્રાહકો માટે એક ચેતવણી રિલીઝ કરવામાં આવેલ છે જેમાં જે વીજ ઉપાભોકતા ગ્રાહકોએ લાઈટબીલ ની રકમ સમયસર ભરપાઈ નથી કરેલ તેવા તમામ ગ્રાહકો માટે આજ તારીખ સત્તર માર્ચની ડેડલાઇન જાહેર કરી સોસીયલ મીડિયા મારફતે ચેતવણી આપવામાં આવેલ છે. ભાયાવદર સબડિવિઝનની યાદી મુજબ રાજકોટ કોર્પોરેટર ઓફિસની સૂચના મુજબ ભાયાવદર સબડિવિઝન ના વીજ ઉપભોકતા ગ્રાહકો માટે બાકી રહેલ રકમ ભરપાઈ ઓનલાઇન કે કેશ ભરપાઈ કરી આપવી અન્યથા પીજીવીસીએલ ના કર્મચારીઓ આવા ગ્રાહકોના કનેક્શન કાપી નાખશે અને જયારે રકમ ભરપાઈ થશે ત્યાર બાદ જ ફરી કનેકશન જોડવામાં આવશે. રી-કનેકશન નો ચાર્જ લઇ કેવાયસી કર્યા બાદ ફરીથી કનેકશન ચાલુ કરવામાં આવશે. જેની ગ્રાહકોએ ગંભીર નોંધ લઇ બાકી વિજબીલ તુરંત ભરી દેવા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *