જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન કરી રહેલા ત્રણ શખ્સોને અટકાવવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.
જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ રણછોડભાઈ રાઠોડ નામના 33 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ગામના ઉમેદભાઈ ગાંગાણી અને જયંતીભાઈ રાઠોડ ને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા નિલેશભાઈ માલવીયા, ઉપરાંત રૈનિસ પટેલ અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ગેરકાયદે રીતે રેતી નું ખનન કરતા હોવાથી તેઓના વાહનોને અટકાવવા જતાં આ હુમલો અને ગાળા-ગાળી કરી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે આરોપીઓને પોલીસ શોધી રહી છે.
શાક બકાલાના રેંકડી ધારકને લમધાર્યો
જામનગરમાં રણજીત નગર પાણીના ટાંકા વિસ્તારમાં રહેતા અને શાક બકાલા ની રેકડી ચલાવતા હિતેશ જગદીશભાઈ દુલાણી નામના 31 વર્ષના સિંધી લોહાણા વિક્રેતાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે રણજીત નગર વિસ્તારમાં જ રહેતા પૃથ્વીરાજસિંહ ચૌહાણ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને આજથી પાંચ વર્ષ પહેલા આરોપી પાસેથી હાથ ઉછીના પૈસા મેળવ્યા હતા, જે પરત આપી દીધા હોવા છતાં પૃથ્વીરાજસિંહ ચૌહાણ તેને હેરાન પરેશાન કરી પૈસાને ઉઘરાણી કરતો હોવાનું અને મારકુટ કરતો હોવાનું પોલીસમાં જણાવાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
રૂા.1.40 લાખની ઘરફોડ ચોરી
જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર ત્રણમાં રહેતા હિરેનભાઈ કૌશિકભાઇ સોની નામના 37 વર્ષના ઇજનેર યુવાને પોતાના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો રૂૂપિયા 10,000 ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત રૂૂપિયા 1,39,100 ની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાના પત્ની અને બે બાળકો સાથે કચ્છમાં ફરવા માટે ગયા હતા, જે દરમિયાન પાછળથી તેઓના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રોકડ તથા દાગીના ઉઠાવી ગયા હતા. તેઓ બહારગામથી પરત ફર્યા ત્યારે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું અને પોતાના ઘરનો માલ સામાન વેરણ છેરણ થયો હોવાનું જાણવા મળતાં પોલીસ ફરિયાદ કરી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
