કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા જયેશભાઈ જીવણભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે છેલ્લા 14 વર્ષથી નોકરી કરતા જયેશભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સાંજે 7 વાગ્યે હું મારી પત્ની અને બાળકો લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં ગયા હતા. ત્યાં છ હેલિકોપ્ટર વાળી નાની રાઈડમાં બાળકો બેઠા હતા. મારા દીકરાને બેસવા માટે 50 રૃપિયાની ટિકિટ લઈ લાઇનમાં ઊભો રહ્યો હતો. રાઉન્ડ પૂરો થતાં હાજર ઓપરેટરે મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેસાડયો હતો.રાઈડમાં અંદરની તરફ એક નાની છોકરી પણ બેઠી હતી. મારો છોકરો બહારની સાઇડે બેઠો હતો.
બધા બાળકો બેસી જતા ઓપરેટરે સ્વીચ પાડી દેતા રાઈડ ચાલુ થઈ ગઈ હતી. બે થી ત્રણ ચક્કર ફર્યા બાદ અચાનક જ સ્પીડ વધી ગઈ હતી. જયેશભાઈ રાઈડની સ્વીચ બંધ કરવા જતા હતા એટલામાં બીજા એક વ્યક્તિએ આવીને તાત્કાલિક સ્વીચ બોર્ડમાંથી વાયર ખેંચી લેતા હેલિકોપ્ટર રાઇડ ધીરે ધીરે ઊભી રહી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં રાઈડના ઓપરેટર તથા મેળાના મેનેજર અને સંચાલકે યોગ્ય રીતે રાઈડની ચકાસણી કર્યા વગર ચાલુ રાખી બેદરકારી દાખવી હોવાના આરોપ લાગ્યા છે. રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી (1) ઓપરેટર યુનુસ મામદભાઈ રાઉમા (રહે.સુખસાગર સોસાયટી, ભગવતીપરા મેન રોડ, રાજકોટ) (2) મેનેજર હેમરાજ દેવીદાસ મરાઠા (રહે.આશિષ પાર્ક સોસાયટી, મકરપુરા) અને સંચાલક નિલેશ હસમુખલાલ તુરખીયા (હાલ રહે. મેમોરિયમ એપાર્ટમેન્ટ, માંજલપુર, મૂળ રહે. સાવન સાઇન એપાર્ટમેન્ટ 150 ફૂટ રીંગ રોડ રાજકોટ) સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.