આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ

શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના…

શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અનીલ ઉર્ફે કાનો, તેનો સાગરીત ધર્મેશ ઉર્ફે રાધે તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે.

મળતી વિગતો મુજબ, 13 ઓક્ટોબરની રાત્રે આસ્થા ચોકડી પાસે પરેશ ચૌહાણ સાથે આરોપીઓ અનીલ ઉર્ફે કાનો મુકેશભાઈ પરમાર, ધર્મેશ ઉર્ફે રાધે હરેશભાઈ રાઠોડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા અન્ય એક મિત્રે અગમ્ય કારણોસર ઝઘડો કર્યો હતો. તકરાર દરમિયાન આરોપીઓએ પરેશને ઢીકાપાટા અને ઝાપટો મારી ગાળો આપી હતી. ત્યારબાદ રાધેએ પરેશને પકડી રાખ્યો હતો અને કાનાને છરીના ઘા મારવાનું ઉશ્કેર્યું હતું. જેથી કાનાએ પોતાની પાસે રહેલી છરી વડે પરેશના શરીરે આડેધડ ઘા મારી તેની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

હત્યાના આ ગંભીર બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ તથા ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવાએ તમામ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા સૂચના આપી હતી. જેના આધારે એલસીબી ઝોન-2ના પી.એસ.આઈ. એસ.વી. ચુડાસમા તથા ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એસ. જાદવ અને તેમની તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એલસીબી ઝોન-2ની ટીમે મુખ્ય આરોપી અનીલ ઉર્ફે કાનો મુકેશભાઈ પરમાર (ઉ.વ. 23, રહે. આંબેડકરનગર) ને રૈયારોડ ઇન્ડિયન પાર્કના ક્વાર્ટર પાસેથી પકડી પાડ્યો હતો. જ્યારે બીજી તરફ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સહ-આરોપી ધર્મેશ ઉર્ફે રાધે હરેશભાઈ રાઠોડ (ઉ.વ. 27, રહે. આંબેડકરનગર) અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ને રાઉન્ડઅપ કર્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓ ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ મુખ્ય આરોપી અનીલ ઉર્ફે કાના સામે ભૂતકાળમાં માલવીયાનગર, આજીડેમ અને કાલાવાડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ધર્મેશ ઉર્ફે રાધે સામે ગાંધીગ્રામ-2 (યુનિ.), માલવીયાનગર અને રાજકોટ તાલુકા પો.સ્ટે.માં પ્રોહિબિશન,મારામારી, ધમકી અને પાસા સહિત 8 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *