ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ચાલી રહેલા વિવાદોએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટી કાર્યવાહી કરતા સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી બેંકના…

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ચાલી રહેલા વિવાદોએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટી કાર્યવાહી કરતા સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, સીઈઓ અને જનરલ મેનેજર સહિત ચાર પદાધિકારીઓ અને અધિકારીઓને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ કડક પગલાં બાદ બેંકના વાહનો પણ પરત લેવામાં આવ્યા છે, જેને કારણે સહકારી ક્ષેત્રમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે.

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના વર્તમાન ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા, વાઇસ ચેરમેન કાંતિભાઈ સી. ધાંઘલ્યા, સીઈઓ આર.ડી. સરવેયા અને જનરલ મેનેજર જે. કે. કેવડિયાને સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા કારણદર્શક નોટિસો આપવામાં આવી હતી. ત્યારબાદ રજૂ કરાયેલા ખુલાસા યોગ્ય ન જણાતા સ્ટેટ રજિસ્ટ્રારે બેંકના ચેરમેન સહિત ચારેયને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. સહકારી ક્ષેત્રમાં ગેરરીતિના આક્ષેપો સાથે પદાધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવાની આ ઘટના કદાચ રાજ્યમાં પ્રથમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં અગાઉ 7.34 કરોડ રૂૂપિયાનું મોટું સાયબર ફ્રોડ થયું હતું, જેમાં સીબીએસ સોફ્ટવેર અને બેંકના તત્કાલિન વેન્ડરની કામગીરીમાં ગંભીર ખામીઓ હોવા છતાં બેંકના બોર્ડે અગાઉથી જાણ હોવા છતાં ગંભીરતા લીધી ન હતી. પરિણામે બેંકને કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું. આ ઉપરાંત, બેંકના નાણાકીય હિસાબોમાં પણ ખોટી આવક અને નફો દર્શાવવામાં આવ્યો હતો તેમજ એનપીએ ક્લાસિફિકેશનમાં પણ ક્ષતિ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જીસીએ એકાઉન્ટ, લોન તેમજ કેશ ક્રેડિટ એકાઉન્ટ, માઈક્રો એટીએમ સંબંધિત એસેટ્સ અને નિવૃત્ત અધિકારીઓની પુન:નિમણૂંક તથા બેંકમાં ઉચ્ચ હોદ્દાઓ પર તેમને ચાલુ રાખવા બાબતે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.

સૌથી વધુ ચકચાર ભરતી પ્રક્રિયામાં કરવામાં આવેલી ગેરરીતિઓથી મચી છે. ચેરમેન અને વાઇસ ચેરમેને સત્તાનો દુરુપયોગ કરી લાગતા-વળગતાઓને નોકરી આપવા માટે એજન્સી સાથે મળીને નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન કર્યું હોવા બાબતે નોટિસો ફટકારવામાં આવી હતી. બેંકના વાઇસ ચેરમેનના પુત્ર નિયત લાયકાત ધરાવતા ન હોવા છતાં સગાવાદ ખાતર તેમને નોકરી પર રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. આ ઉપરાંત બિનસત્તાવાર રીતે ભરતીમાં અનેક ઉમેદવારો પાસેથી લાખો રૂૂપિયા લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

આ તમામ બાબતો સંદર્ભે સહકારી આગેવાન ભીખાભાઈ જાજીયાએ હાઈકોર્ટમાં ફરિયાદ કર્યા બાદ સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન, જે. કે. કેવડિયા જીએમ તરીકે ફરજ બજાવતા હતા પરંતુ રાજીનામું આપ્યું હતું. તેમ છતાં, વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ચાલુ રાખવા માટે એક 1 જાન્યુઆરીએ ઠરાવ કરી સ્ટાફ કમિટીએ નિર્ણય કર્યો હતો, જે નિયમ વિરુદ્ધ હતો. પૂર્ણ બોર્ડની મંજૂરી વિના સ્ટાફ કમિટીએ જીએમનું રાજીનામું મંજૂર કરી શકે નહીં. આ ઉપરાંત, રાજીનામાના બીજા જ દિવસે તેમણે ગ્રેજ્યુઈટી અને અન્ય રજાના પગારના લાખો રૂૂપિયા એટલે કે 54 લાખની સંયુક્ત રકમ ઉપાડી લીધી હતી, જે અંગે પણ સ્ટેટ રજિસ્ટ્રારને ફરિયાદ કરવામાં આવી હતી.

તાબડતોબ નવા ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનને હોદ્દા પરથી હટાવવાનો હુકમ થતા ખાલી પડેલી હોદ્દેદારોની જગ્યા માટે આજે બેંકની મુખ્ય કચેરી ખાતે બાકી રહેલ મુદત માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બેંકના ડિરેક્ટરો દ્વારા બાકી રહેલા કાર્યકાળ માટે બેંકના ચેરમેન તરીકે માજી ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તથા વાઈસ ચેરમેન તરીકે અજીતસિંહ ગોહિલને ચૂંટવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ બેંકમાં કુલ 19 ડિરેક્ટરો પૈકી રવજીભાઈ રાજપરાનું અવસાન થતાં 18 ડિરેક્ટર રહ્યા હતા. પરંતુ ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા અને વાઈસ ચેરમેન કાંતિભાઈ ધાંઘલ્યાને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવતા 16 ડિરેક્ટરો પૈકી ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે બુધવારે વરણી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *