રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દૂધસાગર મેઈન રોડ પર આવેલી ડાભી હોટલવાળી શેરીમાં, સૂર્યોદય પાનની દુકાન પાસે એક 25 વર્ષીય શ્રમિક યુવાન પર બે માથાભારે શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી રૂૂા. 1,70,000ની મતાની સરેઆમ લૂંટ ચલાવી છે. આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર યુવાને હિંમત એકઠી કરીને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, લાખાજીરાજ ઉદ્યોગનગર ચુનારાવાડ શેરી નંબર 1માં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા 25 વર્ષીય જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણ ગત સોમવારે રાત્રે સાડા દસેક વાગ્યાની આસપાસ દૂધસાગર રોડ પર પાનની દુકાનના ઓટે બેઠા હતા. આ સમયે તેમના જ વિસ્તારના માથાભારે છાપ ધરાવતા લખન બચુ અને પ્રતાપ ઉર્ફે નાનીયો નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા. બંને શખ્સોએ જેનીશભાઈને ગાળો આપીને તેમની પાસે રહેલા પૈસા અને ગળામાં પહેરેલો સોનાનો ચેઈન આપી દેવા ધમકી આપી હતી. જેનીશભાઈએ પ્રતિકાર કરતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગલીમાંથી ધારદાર હથિયારો લઈને પાછા આવ્યા હતા.
આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં લખન બચુએ મારેલો ઘા રોકવા જતાં જેનીશભાઈને જમણા હાથની હથેળીમાં ગંભીર ઈજા થઈ હતી અને પ્રતાપ ઉર્ફે નાનીયાએ જમણા પગના ઘૂંટણ પાસે હથિયાર મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલાથી ગભરાઈ ગયેલા યુવાને જીવ બચાવવા માટે પોતાના ગળામાં પહેરેલો દોઢ તોલાનો સોનાનો ચેઈન (કિંમત ₹1,50,000) અને ખિસ્સામાં રહેલા રોકડા ₹20,000 આરોપીઓને સોંપી દીધા હતા.
લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને તેના મિત્રએ મોટરસાયકલ પર ગુંદાવાડી હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા અપાઈ હતી. આરોપીઓ વિસ્તારમાં માથાભારે હોવાથી પરિવાર પહેલા ડરી ગયો હતો, પરંતુ બાદમાં હિંમત કરીને થોરાળા પોલીસમાં બી.એન.એસ.ની કલમ 308(5), 118(1), 351(3), 352, 3(5) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે, જેની વધુ તપાસ પીએસઆઈ ટી.ડી. જાડેજા ચલાવી રહ્યા છે.
