લાઇસન્સ સહિતના કામ માટે આવેલા અરજદારોને પાછા મોકલી કચેરી ખાલી કરી ચેકીંગ હાથ ધરાયું
ગુજરાતમાં ફરી એક વાર બોમ્બની ધમકી મળી છે. રાજકોટ,અમદાવાદ, વડોદરા,સુરત અને ભુજની આરટીઓ કચરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા તમામ આરટીઓ કચેરી ખાલી કરાવાઈ હતી અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરી ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. તમામ આરટીઓ માં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી જોકે કશું શંકાસ્પદ મળ્યું ન હતું.
રાજકોટ,અમદાવાદ, વડોદરા,સુરત અને ભુજની આરટીઓ કચરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા કેમ્પસ ઇવેક્યુએટ કરાવી એન્ટી સેબોટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એન્ટી સેબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ અથવા તો એ પ્રકારની કોઈપણ બાબત જણાઈ આવેલ નથી. અને ટૂંક સમયમાં આરટીઓ કચેરીનું રાબેતા મુજબની કામગીરી ચાલુ કરવામાં આવી રહેલ છે. વધુમાં કહ્યું કે, કોઈપણ પ્રકારની ચિંતાજનક અથવા ભયની બાબત ન હોય, લોકોને શાંતિ જાળવી અને પોતાની કામગીરી આરટીઓ કચેરી ખાતે ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવે છે.
બોમ્બની ધમકી આપતો ઈમેઈલની તપાસ સાઈબર સેલની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે. ઈમેઈલ ક્યાંથી મોકલવામાં આવેલ છે અને તેના અંગેની જે ટેકનિકલ બાબતો છે, તેના માટે સાઈબર સેલની ટીમ અલગથી કાર્યવાહી કરી રહી છે. રાજકોટ આરટીઓ કચેરીમાં અલગ અલગ શાખાની કચેરીની ચીજવસ્તુઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા આરટીઓ કચેરીમાં બોમ હોવાની ધમકી મળતા કેટલાય અરજદારો અટવાઈ પડ્યા હતાં. અંદાજે બેથી ત્રણ કલાકથી આરટીઓ કચેરીની બહાર રાહ જોઈ રહ્યા હતાં. જોકે તમામ અરજદારોને આવતીકાલની એપાઈન્ટમેન્ટ આપવામાં આવી. બપોરે 12.50 કલાકે 13 બોમ્બ ફાટશે’ તેવી ધમકી મળી હતી અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની વહેલી સવારે ધમકી આરટીઓ વેબસાઇટ ઉપર મળી હતી. જેથી પોલીસને જાણ કરી હતી કે, બપોરે 12.50 કલાકે 13 બોમ્બ ફાટશે તેવી ધમકી મળી છે. ડોગ-બોમ્બ સ્કવોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. ધમકીની જાણ થતાં જ આરટીઓ સત્તાધીશોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી આરટીઓ કચેરીના દરેક રૂૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને ટ્રેક વિસ્તારની ખૂણેખૂણે તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
