અજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યું

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામના સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કરતાં સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. અજગર દ્વારા શિકાર કરવામાં આવેલા હરણને તે આખેઆખું ગળી…

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામના સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કરતાં સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. અજગર દ્વારા શિકાર કરવામાં આવેલા હરણને તે આખેઆખું ગળી ગયો હતો. ત્યારબાદ અજગરે ગળી ગયેલા હરણને બહાર કાઢતાં ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. હરણનો શિકાર થયો હોવાની જાણ થતાં સ્થાનિક પર્યાવરણપ્રેમી રમેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ ભારે જહેમત બાદ અજગરને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લીધો હતો. અજગરને પકડવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

અજગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેને ઊંડા જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને તેના કુદરતી રહેઠાણમાં સલામત રીતે છોડી મુકવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે શેત્રુંજી ડિવિઝન અઈઋ રાજન જાદવે જણાવ્યું કે અજગર હોય કે સાપ હોય, શિકારને ગળી ગયા બાદ તે હલન ચલન ન કરી શકે અને ત્યાં રેહવું પડે જેથી તે દૂર જવા માટે અથવા ભાગવા માટે તે શિકારને બહાર કાઢી જ નાખે છે.

અજગર સામાન્ય રીતે પોતાના શિકારને આખેઆખો ગળી જાય છે, પરંતુ શિકારનું કદ મોટું હોય, તેને પચાવવામાં મુશ્કેલી પડે અથવા અજગરને આસપાસથી ખતરો અને ભારે તણાવનો અનુભવ થાય ત્યારે તે ગળેલો શિકાર ફરી બહાર કાઢી શકે છે. ખાસ કરીને માણસોની મોટી ભીડ નજીક આવી જાય અથવા તેને પકડવાનો પ્રયાસ થાય ત્યારે અજગર પોતાના શરીરનો ભાર ઓછો કરવા માટે શિકારને બહાર કાઢે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *