30 વર્ષ સુધી મનોદિવ્યાંગ પુત્રની સેવા કરનાર માતાના અંતિમ શબ્દો, ‘એ નાનિયા ઉભો રહે હું આવું છું !’
દૂધસાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માનસિક દિવ્યાંગ પુત્રના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતા માતાએ પણ પુત્રની અંતિમયાત્રા સમયે જ દમ તોડી દીધો હતો. વિધિની વક્રતા તો જુઓ કે, જે પુત્રની આંગળી પકડીને માતાએ 30 વર્ષ સુધી તેની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું, તે પુત્રની ચિતાની જ્વાળાઓ શાંત થાય તે પહેલા જ માતાએ પણ અનંતની વાટ પકડી લીધી હતી. નિર્મળ પરિવારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજકોટ શહેરને હચમચાવી દીધું છે અને પાષાણ હૃદયના માનવીની આંખો પણ ભીની કરી દીધી છે.
ઘટનાની વિગતો મુજબ, 30 વર્ષીય જય જિતેન્દ્રભાઈ નિર્મળ જન્મથી જ માનસિક રીતે દિવ્યાંગ હતો. તેને દુનિયાદારીની કોઈ સમજ નહોતી, પરંતુ તેની માતા રાજેશ્રીબેન (ઉં.વ. 56) તેના માટે સર્વસ્વ હતા. શનિવારે સાંજે જયની તબિયત અચાનક લથડતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું અવસાન થયું હતું. રવિવારે સવારે જ્યારે જયની અંતિમયાત્રા કાઢવાની તૈયારીઓ ચાલી રહી હતી અને તેના પાર્થિવ દેહને શબવાહિનીમાં રાખવામાં આવી રહ્યો હતો, ત્યારે માતા રાજેશ્રીબેન પોતાનો આઘાત રોકી શક્યા નહોતા. તેમણે કરુણ આક્રંદ સાથે બૂમ પાડી હતી કે, “એ નાનિયા ઉભો રહે, હું આવું છું!” આ શબ્દો ઉચ્ચારતાની સાથે જ તેઓ સોસાયટીની શેરીમાં બેભાન થઈને ઢળી પડ્યા હતા. પરિવારજનો દ્વારા તેમને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સ્મશાનમાં જ્યારે જયના દેહને મુખાગ્નિ આપવામાં આવી રહી હતી, બરાબર તે જ સમયે હોસ્પિટલમાંથી સમાચાર આવ્યા કે રાજેશ્રીબેનનું પણ અવસાન થયું છે.
પુત્રના અવસાનના માત્ર 16 કલાકમાં જ માતાએ પણ વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. રાજેશ્રીબેનના પતિ જિતેન્દ્રભાઈ જેઓ કારખાનામાં મજૂરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે, તેમના માટે આ ખોટ ક્યારેય ન પુરાય તેવી છે. આ કરુણ ઘટનાએ સાબિત કરી દીધું કે માતાનો પ્રેમ અતુલ્ય છે અને સંતાન પ્રત્યેનો તેમનો લગાવ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
