રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની જોહુકમી અને બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે પોલીસ તંત્રની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના માધાપર ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં એક બાઈક ચાલકને રોકીને ટ્રાફિક પોલીસ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે જોઈને લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, બાઈક ચાલકને માધાપર ચોકડી પાસે અટકાવવામાં આવ્યો હતો, પરંતુ તેને જે મેમો આપવામાં આવ્યો તેમાં સ્થળ તરીકે ’નવો 150 ફૂટ રિંગ રોડ, ધોળકિયા સ્કૂલ નજીક’ દર્શાવવામાં આવ્યું હતું. આ ઘટના ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી અને મેમો ફાડવાની ઉતાવળમાં કરવામાં આવતી લાલિયાવાડી છતી કરે છે.
આ સમગ્ર મામલે વિગતો એવી છે કે, બાઈક ચાલકનો વીમો પૂરો થઈ ગયો હોવાનું જણાવી પોલીસ કર્મચારી દ્વારા તેને સીધો 2000 રૂૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોઈન્ટ નિર્ધારિત સ્થળે હોવા છતાં, પોલીસ કર્મચારીઓ અન્ય સ્થળે જઈને વાહન ચાલકોને હેરાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. ચર્ચા એવી પણ છે કે ટ્રાફિક પોલીસ પોતાના દૈનિક ટાર્ગેટ પૂરા કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને ગમે ત્યાં ઉઘરાણા શરૂૂ કરી દે છે. આ કિસ્સામાં સંડોવાયેલા ટ્રાફિક પોલીસ કર્મચારીનું નામ બ્રિજરાજસિંહ હોવાનું સામે આવ્યું છે.
જ્યારે જાગૃત નાગરિકે આ છબરડા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે પોલીસ કર્મચારીએ જરા પણ ડર રાખ્યા વગર ઉડાઉ જવાબ આપતા કહ્યું હતું કે, “અમને અમારા ઉપરી અધિકારીઓએ જ આ રીતે કામ કરવાની સૂચના આપી છે!” ટ્રાફિક પોલીસની આ પ્રકારની દાદાગીરી અને ઉદ્ધત વર્તન હવે સીમા વટાવી રહ્યું છે. આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વાયુવેગે પ્રસરતા ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. આ બાબતે જ્યારે જવાબદાર ઉપરી અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે આ પ્રકારની ભૂલ અત્યંત ગંભીર કહેવાય. તેમણે આશ્વાસન આપ્યું છે કે આ કિસ્સામાં જવાબદાર પોલીસ કર્મચારી સામે કડક તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે.
સામાન્ય જનતામાં એવો સુર ઉઠી રહ્યો છે કે શું ટ્રાફિક પોલીસનું કામ માત્ર દંડ વસૂલવાનું અને ટાર્ગેટ પૂરા કરવાનું જ છે? રસ્તા પર ટ્રાફિકનું નિયમન કરવાને બદલે ખૂણે ઉભા રહીને વાહન ચાલકોને ખંખેરવાની આ નીતિ સામે લોકો હવે મેદાને આવ્યા છે. સ્થળ બદલીને ખોટા લોકેશનના મેમો ફાડવા એ કાયદાકીય રીતે પણ ગંભીર ગુનો બને છે. હવે જોવાનું એ રહે છે કે, તપાસના નામે માત્ર લીપાપોતી કરવામાં આવે છે કે પછી સત્તાના નશામાં ચૂર આવા કર્મચારીઓ સામે ખરેખર કોઈ દાખલારૂૂપ કાર્યવાહી કરવામાં આવે છે.
