અમરેલી તાલુકાના પાણીયા ગામે એક આદમખોર સિંહે એક 7 વર્ષના માસૂમને ફાડી ખાંધો છે, સિંહે માસૂમનું શરીર ચૂંથી નાખ્યું હતું. મોઢું-હાથ-પગના ટુકડા કરી નાખ્યા હતા.
અમરેલી તાલુકાના પાણીયા ગામમાં સવારે મુળ મધ્યપ્રદેશના જાબુઆના અને હાલ પાણીયામાં રહેતા 7 વર્ષીય રાહુલ બારીયા નામનો માસૂમ અન્ય લોકો સાથે નદી કિનારે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સિંહ ત્યા આવી ગયો હતો અને આ માસૂમ તેમજ અન્ય લોકો કઈ સમજે તે પહેલા સિંહ આ બાળકને પકડીને બાવળની ઝાડીઓ તરફ ઢસડી ગયો હતો.
સિંહે બાળક પર હુમલો કરી બાળકના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. જે ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જે પ્રમાણે સિંહે બાળકના શરીરના ટૂકડા કરી નાખ્યા હતા તે જોઈ વનવિભાગ પણ ચોંકી ગયું હતું. ગામના લોકો કોઈ બાળકના મૃતદેહને જોઈ શક્યા ન હતા તે હદે સિંહે બાળક પર હુમલો કર્યો હતો. વનવિભાગની ટીમે બાળકના મૃતદેહના અવશેષો એકત્રિત કર્યા હતા.
મૃતદેહને અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.બીજી તરફ વનવિભાગના આરએફઓ, પશુ ચિકિત્સક અને કર્મચારીઓની ટીમે બે કલાકના ભારે જહેમત બાદ સિંહને પાંજરે પુરી દીધો છે. સિંહને લીલીયાના ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં હાલ ખસેડવામાં આવ્યો છે. વનવિભાગની ડોક્ટર ટીમ દ્વારા આ જ સિંહે શિકાર કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.