જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવતો દીપડો આખરે પિંજરે પુરાયો

જામનગર તાલુકાના નવી મોખાણા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકનું કારણ બનેલો દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાયો હતો.…

જામનગર તાલુકાના નવી મોખાણા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકનું કારણ બનેલો દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાયો હતો. ખાસ પ્રકારનું મારણ મૂકવામાં આવતા દીપડો શિકારની લાલચે પાંજરામાં પ્રવેશતા જ ફસાઈ ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે તેને કબજે લઈ આગળની કાર્યવાહી માટે વનખાતામાં ખસેડ્યો હતો.

છેલ્લા દોઢ મહિનાથી નવી મોખાણા ગામ, તેની સીમ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સતત અવરજવર જોવા મળતી હતી. અનેક સ્થળોએ તેના પગલાં મળી આવ્યા હતા, જ્યારે એકાદ પશુનું મારણ કર્યું હોવાના પુરાવા પણ મળ્યા હતા. દીપડાની હાજરીને કારણે ગ્રામજનોમાં સતત ભયનો માહોલ છવાયેલો હતો અને લોકો સાંજ પડતા જ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. ખેડૂતો પણ ખેતરમાં જતાં પહેલાં સાવચેતી રાખવા મજબૂર બન્યા હતા.

દીપડાને પકડવા માટે જામનગર વન વિભાગે અલગ-અલગ સ્થળોએ ત્રણથી વધુ પાંજરાં ગોઠવ્યા હતા. અગાઉ બે-ત્રણ વખત દીપડો પાંજરા સુધી આવીને પણ સાવચેત રહેતાં પાછો ફરી જતો હતો, જેના કારણે તેને પકડવામાં સફળતા મળતી ન હતી. દીપડો પકડાઈ જતાં છેલ્લા કેટલાય દિવસોથી અજંપા અને ભય વચ્ચે જીવતા નવી મોખાણા સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *