ઉના શહેરના છેવાડે આવેલા મચ્છુન્દ્રી નદીના પુલથી લઈ ને હાલના સ્ટેટ હાઈવે બાયપાસ સુધીના માત્ર 5 કિલોમીટરના ઉના-ભાવનગર રાજ્ય ધોરી માર્ગમાં 35 વર્ષ જૂની મોટી સરકારી તંત્ર ની બેદરકારી બહાર આવી છે. આ રસ્તો બનાવતી વખતે જમીન સંપાદનની કોઈ કાયદેસર પ્રક્રિયા કરવામાં આવી નથી અને કેટલાક ખેડૂતોને આજ દિન સુધી વળતર ચુકવ્યા વગર તેમની જમીન પર રોડ બનાવી દેવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં સ્ટેટ હાઈવે ની બન્ને બાજુ આવતા લગભગ 20 જેટલા ખાતેદારોની જમીન આ રસ્તામાં કપાઈ ગઈ છે. નિયમ મુજબ ખાનગી જમીન સંપાદન પહેલા ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, ખાતેદારને સાંભળીને વળતર ચૂકવવું ફરજિયાત હોય છે. પરંતુ અહીં આ નિયમોની અમલવારી થઈ નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
આજથી અંદાજે 30 થી 35 વર્ષ પહેલાં આ રસ્તો બન્યો ત્યારે ખેડૂતોને એમ હતું કે સરકારી કામ છે, થોડા દિવસમાં વળતર મળી જશે અને 7/12 માંથી નોંધ કમી થઈ જશે. પણ દિવસોના વર્ષો થઈ ગયા. ખેડૂતો વૃદ્ધ થઈ ગયા, કેટલાક તો હયાત પણ નથી, પણ તેમના વારસદારો આજે પણ પોતાની જમીન શોધવા સરકારી કચેરીઓના ધક્કા ખાય છે.અને સરકારી કચેરી એક બીજી કચેરી ને ખો આપી રહી છે પરંતુ ક્યાંય જરૂૂરી આધાર પુરાવા ખેડૂતો ને મળ્યા નથી પરંતુ તેમની જમીન ની જગ્યા એ રોડ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પાસે આધાર માત્ર તેમની પાસે રહેલ 7,12 છે.
વળતર માટે ખેડૂતો છેલ્લા ઘણા વર્ષથી અલગ અલગ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ખાસ જમીન સંપાદન અધિકારી,જુનાગઢ અને રાજ્ય ધોરી માર્ગની કચેરીમાં પણ આ સંપાદન અંગેનું રેકોર્ડ ઉપલબ્ધ નથી. સ્થળ પર રસ્તો બની ગયો છે, પરંતુ ખાતેદારોના 7/12 ઉતારામાંથી જમીન કમી થઈ નથી. ખેડૂતો આજે પણ પૂરી જમીનનો કરવેરો ભરે છે, જ્યારે 7/12 માં બતાવેલી જમીન કરતાં સ્થળ પર કબજો ઘણો ઓછો છે. આના કારણે ખેડૂતો જમીન વેચી પણ શકતા નથી. 7/12 મુજબ દસ્તાવેજ કરવો પડે, પણ સ્થળ પર જમીન ઓછી હોવાથી ખરીદનાર તૈયાર થતો નથી અને જો દસ્તાવેજ થાય તો બાકીની જમીન ટુકડાધારા કાયદામાં આવી જતી હોવાથી વેચાણ અટકી જાય છે. બિનખેતી માટે માપણી મળતી નથી, ટાઈટલ ક્લિયર થતું નથી આ મામલે કચેરી માં શોધખોળ અને તપાસ કરતા શહેરી તલાટી મંત્રીની કચેરીમાંથી જૂના એવોર્ડ હાથ લાગ્યા હતા, જેમાં મોટા છબરડા બહાર આવ્યા છે.
અગાઉ 1964 માં ઉના ટીંબી રોડ માટે કપાયેલી જમીનની નોંધ 35 વર્ષ બાદ 1999 માં હક્ક પત્રકમાં કરવામાં આવી હતી, પરંતુ સ્ટેટ હાઈવે ની નોંધ આજદિન સુધી થઈ નથી. રેકોર્ડ આધારિત તપાસમાં સામે આવ્યું છે કે કુલ 13 સર્વે નંબર – 351/1, 351/4, 547, 553, 550, 620, 165, 148, 146/1, 145, 152, 630 માંથી રેકર્ડ પર કુલ 3 એકર 20 ગુંઠા એટલે અંદાજે 8 વિઘા જેટલી જમીન સંપાદન દેખાય છે, જેનું વળતર એ સમયે માત્ર 966 રૂૂપિયા ચૂકવ્યાનું બતાવાય છે. તેની સામે અનેક ગણી વધુ જમીન કાપી લેવામાં આવી છે અને વધારાની જમીનનું કોઈ વળતર ચૂકવાયું નથી. આ જ ખેડૂતોની મુખ્ય વ્યથા છે.કેટલાક ખેડૂત ખાતેદારો આજે હયાત છે, તેમની પાસે 7/12 છે પણ સ્થળ પર એક ઈંચ પણ જમીન નથી. સરકારી રેવન્યુ અને સ્ટેટ હાઈવે વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો આજે ટાઈટલ વગરના, માપણી વગરના અને બિન ખેતીની પરવાનગી વગરના થઈ ગયા છે. હવે જોવું રહ્યું કે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપે છે કે ખેડૂતોએ ન્યાયતંત્રના દરવાજા ખખડાવવા પડશે?
ખેડૂતો ની જમીન 1964 મા ઉના ટીંબી સ્ટેટ હાઇવે માટે સંપાદન કરી હતી એ વખતે 13 ખેડૂતો ની બધી મળીને 3-એકર 20 ગુંઠા જમીન કપાઈ હતી એ સમયે સરકારે આ ખેડૂતો ને માત્ર 966 રૂૂપિયા ના વળતર એવોર્ડ આપેલ તેમાંથી પણ કેટલાક ખેડૂતો ની જમીન ના એવોર્ડ અપાયા નથી જમીન સંપાદન કરી નથી તેમ છતાં જમીન પર રોડ બની જતાં માત્ર રેકર્ડ પર ખેડૂત છે જમીન એક ઈંચ પણ નથી દેખાતી આ પણ સરકારી તંત્ર નો જાદુ કહેવાય છે.
જમીન સંપાદન અધિનિયમ મુજબ કોઈપણ ખાનગી જમીન સરકારી કામ માટે લેતા પહેલા ગેઝેટમાં જાહેર નામું પ્રસિદ્ધ કરવું પડે, ખાતેદારને વાંધા સાંભળવા માટે નોટિસ આપવી પડે, સંપાદન અધિકારીએ એવોર્ડ જાહેર કરી બજાર ભાવ મુજબ વળતર ચૂકવવું પડે અને ત્યારબાદ જ હક્ક પત્રકમાં નોંધ પાડીને 7/12 માંથી જમીન કમી થાય. ઉનાના આ કિસ્સામાં પહેલા ત્રણ પગલાં ભર્યા છે તે ઉના ટીબી સુધી નો માર્ગ 1964 ના જાહેર નામા અને સંપાદન આધારે એવોર્ડ બન્યા પરંતુ 1999 મા રાજ્ય ધોરીમાર્ગ બનાવ્યો એ જુનાં સંપાદન ના આધારે તંત્ર એ નવું જાહેરનામું બહાર પાડ્યા વગર બનાવી નાખતા, ખાતેદાર ખેડૂત ના વળતર વધારા ની જમીન કપાત નું નહીં મળતાં હક્ક પત્રકમાં નોંધ થઈ નથી અને ખેડૂતો વર્ષોથી બેવડો માર સહન કરવો પડયો છે. મચ્છુન્દ્રી પુલથી બાયપાસ સુધી ના 5 કિમી વિસ્તારના તમામ 20 ખાતેદારોની જમીન ની સ્થળ પર ફરીથી સંયુક્ત માપણી કરી કેટલી જમીન કપાઈ છે તેનું પંચનામું થાય, એવોર્ડ કરતાં વધુ કપાયેલી જમીનનું આજના બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા માં આવે.
આટલા ખેડૂતોની જમીન ગુમ
સર્વે નં. 152 – ભાવસિંગભાઈ કાળાભાઈ મોરી, એવોર્ડ 10 ગુંઠાનો,પણ કપાત 64 ગુંઠાએટલે4વિઘાથી વધુ જમીન કપાઈ, સર્વે નં.165 ચંદુભાઈ કેશવભાઈ, કેશવભાઈ ગોવિંદભાઈ એવોર્ડ 30 ગુંઠાનો, કપાત 88 ગુંઠા એટલે 7 વિઘા વધારે કપાઈ. સર્વે નં. 647અલ્પેશ ભાઈ અમૃતલાલ શાહ એક પણ ગુંઠાનો એવોર્ડ નથી, વળતર નથી, છતાં 58 ગુંઠા એટલે 4 વિઘા જમીન સ્થળ પર ગુમ છે. કાગળ પર 7/12 છે, જમીન પર રોડ છે.સર્વે નં. 145 સુલતાન ચાંદભાઈ વિગેરે એવોર્ડ 16 ગુંઠાનો, કપાત 55 ગુંઠા એટલે સાડા ત્રણ વિઘા વધારે જમીન કપાઈ સર્વે નં. 167 વિનુભાઈ સામતભાઈ મોરી એવોર્ડ 14 ગુંઠાનો, કપાત 27 ગુંઠા વધારે કપાઈ, સર્વે નં. 630 ગીરીશકુમાર શાંતિલાલ શાહ એવોર્ડ 9 ગુંઠા નો, કપાત 90 ગુંઠા એટલે 6 વિઘા જમીન કપાઈ ગઈ ઉપરોક્ત ખેડૂતો હાલ પોતાની જમીન ક્યાં ગઈ તેની શોધખોળ કરી રહ્યા છે પરંતુ ઉકેલ મળતો નથી.
રેકર્ડ મળતુ નથી, તપાસ શરૂ કરી છે : પ્રાંત અધિકારી
આ જમીન સંદર્ભે ઉના પ્રાંત અધિકારી કૌશિક પરમાર સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ખેડૂતો નીરજૂઆત મળી છે તેના અનુસંધાને સંપાદન સંસ્થા આર.એન.બી.ને વેરિફિકેશન માટેની અરજી મોકલીશું અને વેરીફીકેશન થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરીશુંઅનેઅરજી મોકલ્યા બાદ તેમના ડોક્યુમેન્ટ શોધવાનો પ્રયત્ન કરીશું પછી દરખાસ્તની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમે તપાસ કરી છે પણ ડોક્યુમેન્ટ મળ્યા નથી હવે બીજી કચેરી માં તપાસ કરાવડાવીશું અને આ પ્રશ્નનુંનિરાકરણ આવે તેવા પ્રયત્નો કરીશું.
