કૃષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલ બીએસયુપી 3 પ્રકારના હાઉસિંગ સ્કીમના આવાસોનું હવે મનપા રિપેરિંગ હાથ ધરશે
ટીઆસપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ટાઉન પ્લાનીંગ વિભાગની કામગીરી વધુ પાર્દર્શક બનાવી છે અને સાથો સાથ ભયજનક મકાનો તેમજ સરકારી કચેરીઓ અને આવાસોનું રિપેરીંગ કામ પણ હાથ ઉપર લીધું છે જે અંતર્ગત વર્ષો પહેલા કૃષ્ણનગર મેઈન રોડ ઉપર વોર્ડ નં. 13માં બનેલ બીએસયુપી 3 હાઉસીંગ સ્કીમના 600થી વધુ ત્રણ માળિયા આવાસ યોજના ખખડધજ હાલતમાં હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી ભીતી હોવાથી સરકારની સુચના મુજબ મહાનગરપાલિકા હવે તમામ આવાસોનું રિનોવેશન કરશે જેના માટે રૂા. 5.51 કરોડનું મેન્ટેનન્સ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ હાઉસીંગ બોર્ડના આવાસો જર્જરીત હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પરંતુ હાઉસીંગ બોર્ડના આવાસોનું રિપેરીંગ કરવા માટે હાલ કચેરી કાર્યરત ન હોવાથી હાઉસીંગ બોર્ડમાં રહેતા પરિવારોમાં ચીંતા વ્યાપી ગઈ છે. અગાઉ ફક્ત ત્રણ માળના બનાવવામાં આવેલા બીમ કોલમ વગરના આવાસો ખખડધજ હાલતમાં હોય ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતી ઉભી રહેતી હોય છે. જેથી મહાનગરપાલિકાએ હવે શહેરની મધ્યમાં આવેલા હાઉસીંગ બોર્ડના આવાસો રિપેર કરવા માટે તૈયારીઓ આરંભી છે.
જે અંતર્ગત વોર્ડ નં. 13માં કૃષ્ણનગર મેઈન રોડ ઉપર વર્ષો પહેલા બનાવવામાં આવેલ બીએસયુપી 3 હાઉસીંગ સ્કીમ ટીપીએસ નં. 24 ફાઈનલ પ્લોટ નં. 17 એ પાર્ટ અને 17 બી પ્રકારના આવાસો જર્જરીત હાલતમાં હોય તેનું મેન્ટેનન્સ કરવાનો નિર્ણય લઈ રૂા. 5.51 કરોડનું એસ્ટીમેટ વાળુ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અગાઉ આ આવાસ યોજનાનું પીપીપી ધોરણે નવીની કરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ જાણવા મળેલ છે. પરંતુ હવે ચોમાસા પહેલા આ આવાસ યોજનાનું મેન્ટેનન્સ કામ ફરજિયાત કરવું પડે તેમ હોય બાંધકામ વિભાગ દદ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી ચોમાસા પહેલા તમામ આવાસોનું હાઉસીંગ બોર્ડના બાંધકામના નિયમ મુજબ રિપેરીંગ કામ કરવામાં આવશે. તેમજ જાણવા મળેલ છે.
અનેક આવાસ યોજનાઓ જર્જરિત હાલતમાં
મહાનગરપાલિકા હવે રહી રહીને હાઉસીંગ બોર્ડ દ્વારા તૈયાર થયેલ જર્જરીત આવાસ યોજનાનું રિપેરીંગ કામ કરવા માટેની તૈયારીઓ આરંભી છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ અનેક બીમ કોલમ વગરની આવાસ યોજનાઓ આજે પણ જર્જરીત હાલતમાં છે. છતાં ચોમાસા દરમિયાન બાંધકામ વિભાગ દ્વારા ફક્ત સર્વે કરી નોટીસો આપવામાં આવી રહી છે. આજ સુધી આ પ્રકારની આવાસ યોજનાનું રિપેરીંગ કામ થયું નથી. જેના લીધે ચોમાસા દરમિયાન અથવા ગમે તે કારણોસર આવાસ યોજનાના આવાસો ધરાશાયી થાય ત્યારે મોટી દુર્ઘટનાનો ભય જળુંબી રહ્યો છે. છતાં આગામી દિવસોમાં મહાનગરપાલિકા જર્જરીત થયેલ આવાસ યોજનાનું રિપેરીંગ કામ હાથ ધરે તેવું લાગી રહ્યું છે.
