બંગાળી કિશોરની હત્યા કરનાર ઠેકેદાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવતી પોલીસ
શહેરની આજી નદીમાંથી આઠ વર્ષ પૂર્વે, એટલે કે વર્ષ 2018માં એક અજાણ્યા બાળકનું કપાયેલું માથું મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ વણઉકેલાયેલા ભેદ પરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે આખરે આઠ વર્ષના લાંબા ગાળા બાદ પડદો ઊંચક્યો છે. ક્રાઇમ બ્રાંચની સઘન તપાસમાં જે વિગતો બહાર આવી છે, તેણે સમગ્ર પોલીસ બેડા સહિત નાગરિકોને પણ ધ્રુજાવી દીધા છે. નદીમાંથી મળી આવેલું માથું પશ્ચિમ બંગાળના 14 વર્ષીય સગીર શુભમ વિનોદભાઈ હસદાનું હોવાનું વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા સાબિત થયું છે. આ માસૂમની હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેને મજૂરી અર્થે પશ્ચિમ બંગાળથી રાજકોટ લાવનાર ક્રૂર બંગાળી ઠેકેદાર અજીતમૌલા ઉર્ફે અજમતમૌલા (ઉં.વ. 40)એ કરી હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. પોલીસે આરોપીનો જેલમાંથી કબજો મેળવી તેની વિધિવત ધરપકડ કર્યા બાદ સમગ્ર ઘટનાનું આરોપીને સાથે રાખી રીક્ધટ્રકશન કરાવ્યું હતું.
આ કેસની વિગતો માટે અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે અજીતમૌલાની ચુંગાલમાંથી 21 જેટલા બંગાળી સગીર બાળકોને મુક્ત કરાવ્યા હતા. જેમાં એક બાળક ઘરે પરત નહી આવતા વર્ષ 2018ના આજી નદીના વણઉકેલાયેલા કેસ સાથે આ કડી સાંકળીને તપાસનો દોર પશ્ચિમ બંગાળ સુધી લંબાવ્યો હતો. ત્યાં માલૂમ પડ્યું કે શુભમ હસદા નામનો સગીર અજીતમૌલાને ત્યાં કામ કરતો હતો અને ત્યારથી જ ગૂમ હતો. એફએસએલની મદદથી ડીએનએ ટેસ્ટ કરાવતા નદીમાંથી મળેલું માથું શુભમનું જ હોવાની વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ હતી.
ક્રાઈમ બ્રાંચે આરોપી અજીતમૌલાની ધરપકડ કરી તેના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સી.બી.જાડેજા અને તેમની ટીમે નરાધમ અજીતમૌલાને સાથે રાખી સમગ્ર આજી નદી ખાતે ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું ત્યારે અજીતમૌલાએ પુછપરછમાં પોતાની શૈતાની કરતૂતોની કબૂલાત કરી હતી. તેને જણાવ્યું કે, શુભમ કામમાં ધ્યાન આપતો નહોતો અને તોફાન કરીને સતત પોતાના વતન પરત જવાની જીદ કરતો હતો. આથી ઉશ્કેરાઈને અજીતમૌલાએ રામનાથપરા-18 સ્થિત ભાડાના મકાનમાં તેને ઢીકાપાટાનો અમાનુષી માર માર્યો હતો, જેમાં શુભમનું મોત નીપજ્યું હતું.
આ ઘટના સમયે ત્યાં હાજર અન્ય બે સગીરોને અજીતમૌલાએ જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધા હતા. હત્યા બાદ પકડાઈ જવાના ડરથી અજીતમૌલાએ શુભમની લાશને ત્રણ દિવસ સુધી બાથરૂૂમમાં છુપાવી રાખી હતી. જ્યારે લાશ સડવા લાગી અને દુર્ગંધ આવવા માંડી, ત્યારે તેણે પુરાવાનો નાશ કરવાનો ભયાનક પ્લાન ઘડ્યો. તે ગુજરી બજારમાંથી મટન કાપવાના બે તીક્ષ્ણ છરા ખરીદી લાવ્યો હતો. તેણે આ બંને ડરી ગયેલા સગીરોને લાશની બાજુમાં જ બેસાડી રાખી, તેમની નજર સામે શુભમનું ધડ અને માથું છરાથી કાપીને અલગ કરી નાખ્યા હતા.
અજીતમૌલાએ ત્યારબાદ ધડના ભાગને કોથળામાં ભરી પોતાના ટીવીએસ મોપેડ પર બેડી ગામ નજીક અવાવરૂૂ જગ્યાએ ફેંકી દીધું હતું. આ કૃત્યમાં પણ તેણે એક સગીરને બળજબરીથી સાથે રાખ્યો હતો જેથી તે કોઈને કહી ન શકે. બીજા દિવસે તેણે બાથરૂૂમમાં રાખેલું માથું પણ મોપેડ પર લઈ જઈને આજી નદીમાં પધરાવી દીધું હતું. આ ઘાતકી હત્યાકાંડ આચર્યા બાદ તે જાણે કંઈ બન્યું જ ન હોય તેમ સામાન્ય જીવન જીવવા લાગ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયા સાથે પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર,સી.એચ. જાદવની ટીમે વધુ તપાસ કરી આ કેસમાં વધુ નક્કર પુરાવા એકત્રિત કરવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
