ગોંડલના દાળિયા ગામે આવેલ રાજકોટના પ્રૌઢની કિંમતી જમીન ઉપર વ્યાજે રૂપિયા આપી નામે કરાવી લીધી
રાજકોટના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોગા સહીત ત્રણ સામે વધુ એક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ દોંગા સહીત ત્રણ વ્યાજખોરોએ બળજબરીથી જમીન લખાવી લેવાનો એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. રાજકોટમાં રહેતા અને મજૂરી કામ કરતા એક આધેડને પત્નીની સારવાર માટે નાણાંની જરૂૂર પડતા, વ્યાજખોર અલ્પેશ દોંગા પાસેથી રૂૂ.1.50 લાખ રકમ ધીરી હતી. આ રકમના વ્યાજ પેટે લાખો રૂૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, કુખ્યાત શખ્સોએ મરવાની ધમકી આપી ખેડૂતની કિંમતી જમીન પોતાના નામે લખાવી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર રહેતા રમેશભાઈ જુઠાભાઈ વિરડીયા (ઉ.વ. 51) એ અલ્પેશ ગોપાલભાઈ દોંગા, નિલેશ વલ્લભભાઈ બગથરીયા અને સંજય મનજીભાઈ ઠીંબડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રમેશભાઈના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 માં તેમની પત્ની ગીતાબેન ઘરમાં પડી જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે રૂૂ. 1,50,000 ની જરૂૂર પડતા તેમણે અલ્પેશ ડોંગાનો સંપર્ક કર્યો હતો. અલ્પેશ ડોંગાએ માસિક 3% વ્યાજે આ રકમ રોકડી આપી હતી. રમેશભાઈ સતત બે વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવતા રહ્યા હતા. ફરિયાદ મુજબ, થોડા સમય બાદ અલ્પેશ ડોંગાએ રમેશભાઈ પર દબાણ કર્યું કે વ્યાજે આપેલા નાણાંની સુરક્ષા (સિક્યુરિટી) પેટે તેમની દાળીયા ગામે આવેલી સર્વે નંબર 90 પૈકી 1 ની જમીનનું સાટાખત કરી આપવું પડશે. રમેશભાઈએ ના પાડતા અલ્પેશે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ડરના માર્યા રમેશભાઈએ આ જમીનનું સાટાખત નિલેશ બગથરીયાના નામે કરી આપ્યું હતું. ત્યારબાદ રમેશભાઈએ વ્યાજ સહિત કુલ રૂૂ. 1,62,000 ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓએ સાટાખત રદ કર્યો ન હતો. ઉલટાનું, પત્નીના બીજા ઓપરેશન સમયે રમેશભાઈ મજબૂર હતા ત્યારે ફરી દબાણ કરી આ જમીનનું બીજું સાટાખત સંજય ઠીંબડીયાના નામે કરાવી લીધું હતું.આરોપીઓએ જમીન પચાવી પાડવાના ઈરાદે ગોંડલ કોર્ટમાં સિવિલ દાવો (નંબર 369/2024) પણ દાખલ કર્યો છે અને જમીન ખાલી કરવા ધમકીઓ આપી રહ્યા છે. અલ્પેશ ડોંગા અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાથી ફરિયાદી ડરના કારણે અત્યાર સુધી મૌન રહ્યા હતા, પરંતુ આખરે હિંમત કરી પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
ગોંડલ તાલુકા પોલીસે આ મામલે આઈ.પી.સી. કલમ 386, 506(2), 114 તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળાને સોંપી છે. નામચીન વ્યાજખોર અલ્પેશ દોંગા સામે વધુ એક ફરિયાદ નોંધાતા તેની સામે પોલીસ હવે આકરી કાર્યવાહી કરવા તજવીજ કરી રહી છે.
