શોર્ટ સર્કિટની દહેશત વ્યક્ત કરતાં ગ્રામજનો, કામ અટકાવવા સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત
જામનગર જિલ્લાના. લાલપુર પંથકમાં નદી – ચેકડેમ વિસ્તારમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલે છે. આ કામ તાકિદે અટકાવવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. લાલપુરના નાંદુરી ગામના જયેશકુમાર રામાભાઈ નંદાણીયા એ પંચાયત સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં માંગણી કરાઈ છે કે તેમની જમીન રીંજપર ગામમાં આવેલ છે જેની નજીકમાં સીયારયો નામની નદી છે. આ નદીના પ્રવાહમાં કંપનીઓ દ્વારા 33 કે.વી.ના વીજ પોલ ઊભા કરવામાં આવેલ છે તથા બાજુના ચેકડેમમાં પણ આવી જ રીતે પોલ નાખવામાં આવે છે.
પાણીની આવક પછી લગભગ 8 માસ સુધી સીયારીયો અને રૂૂપાવટી નદીમાં પાણી વહેતુ રહે છે જે પાણીનો ખેડૂતો ઉપયોગ કરે છે. ચેકડેમમાં વીજ પોલ ઊભા કરવાથી શોર્ટ સર્કિટનો ભય રહે છે. આ કંપની દ્વારા સિંચાઈ વિભાગની મંજુરી મેળવ્યા વગર અને અનઅધિકૃત રીતે સીયારયો નદી અને ચેકડેમ માં પોલ નાખવામાં આવે છે. જેના થી ઢોર-ઢાંખર-માનવી વગેરે ના જીવ પર જોખમ છે. નદી અને ચેકડેમો માં 18 પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આથી તાકિદે આ કામ બંધ કરાવવું જોઈએ. એનટીપીસીસી તથા સમર્થ એનર્જી વગેરે કંપની દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.
