ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયો

શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત રાજકોટના શાપર (વે.)…

શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો

સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત

રાજકોટના શાપર (વે.) વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા માટે રાજકોટ રૂૂરલ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. શાપર પોલીસ સ્ટેશન વિસ્તારના મસ્કત ફાટક પાસે આવેલ ઓમ ઓટો એન્ડ રિંગ ફેક્ટરી નજીકથી એક પુરુષની લાશ મળી આવી હતી, જેણે સ્ત્રીઓના કપડાં પહેરેલા હતા. આ બનાવ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-104 હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ હત્યાના બનાવનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કરી દીધો છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતકનું નામ ચંદનકુમાર હતું અને આરોપી પિયુષકુમાર બબલુ ખરવાર (રહે. હાલ પીરામીડ કારખાનું, પડવલા) છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, મૃતક અને આરોપી વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને હૈદરાબાદથી લઈને ગુજરાતના શાપર સુધી વિવિધ સ્થળોએ સાથે રહ્યા હતા. જોકે, તેમના સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા હતા. આરોપી પિયુષ આ સંબંધથી કંટાળી ગયો હતો અને મૃતકથી છુટકારો મેળવવા માંગતો હતો. આ રોષના કારણે જ તેણે આ ઘાતકી હત્યાકાંડ રચ્યો હોવાનું કબૂલ્યું છે. આરોપીએ મૃતકને નિર્જન સ્થળે લઈ જઈને પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસ્કત ફાટક પાસેની રેલવે દીવાલ નજીક એક પુરુષની કોહવાયેલી લાશ મળી આવી હતી. પોલીસની સઘન તપાસમાં મૃતકની ઓળખ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીએ સમલૈંગિક સંબંધોથી છુટકારો મેળવવા માટે જ આ હત્યા કરી હોવાનું તપાસમાં ફલિત થયું છે.પોલીસની ટીમે ટેકનિકલ ફૂટેજ અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

આ જટિલ કેસનો ભેદ ઉકેલવામાં શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. રાણા, પી.એસ.આઈ. એસ.આર. પંડ્યા, વી.જી. જેઠવા, એ.એસ.આઈ. કૃપાલસિંહ રાણા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓની ટીમની મહેનત રંગ લાવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં સ્થાનિક પોલીસની સતર્કતા અને કુશળતા જોવા મળી છે.

હત્યા બાદ આરોપી લાશ પર પથ્થર મૂકીને ફરાર થયો,પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગયો હતો!
આરોપી પિયુષકુમાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને અહીં કારખાનામાં કામ કરતો હતો. તેણે ગત તારીખ 27/06ના રોજ બપોરે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તેણે મૃતકના માથા અને મોઢાના ભાગે પથ્થર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી લાશ પર પથ્થર મૂકીને ફરાર થઈ ગયો હતો અને પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગયો હતો, જેથી કોઈને શંકા ન જાય. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *