મોરબી – કંડલા બાયપાસ ઉપર આવેલા સિનેમાઘરમાં પુષ્પા -2 ફિલ્મ જોવા જઈ રહેલા મોરબીના દંપતીને કાર ચાલકે સિનેમાહોલ સામે જ હડફેટે લઈને ફંગોળી દેતાં દંપતી નીચે પટકાયું હતું અને પત્નીની નજર સામે જ ગંભીર ઇજાના પગલે પતિનું મૃત્યુ નિપજતાં દંપતી ખંડિત થયું હતું. પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે દોડી જઇને ફરાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના નાની વાવડી ગામે કેનાલ પાસે ગાયત્રીનગરમા રહેતા અને કિશન હેર સલૂન નામની દુકાન ધરાવતા કિશનભાઈ હરીશભાઈ માવદીયા અને તેમના પત્ની ચાંદનીબેન પોતાનું બાઈક લઈને બપોરના શોમા પુષ્પા -2 ફિલ્મ જોવા કંડલા બાયપાસ ઉપર આવેલા સિનેમાહોલ ખાતે જતા હતા ત્યારે સિનેમાહોલની સામે રોડની કટ્ટમાંથી સિનેમા તરફ જવા માટે નીકળતા જ આરટીઓ કચેરી તરફથી આવતી જીજે – 13 – એએમ – 5897 નંબરની પુરઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા કિશનભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ચાંદનીબેનને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ નિમિશભાઈ માવદીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.
