ખંઢેરી સ્ટેડિયમમાં આતંકવાદીઓ ઘૂસ્યા, ચેતક કમાન્ડોએ ઠાર માર્યા

રૂા.100 કરોડ અને હેલિકોપ્ટરની માગણી કરી પોલીસ-ફાયરવિભાગ-મેડિકલ ઇમરજન્સીની ટીમો દોડી ગઇ, ‘મોકડ્રિલ’ ખુલતા હાશકારો ગુજરાત મિરર, રાજકોટ,તા.6 રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ખંઢેરી…

રૂા.100 કરોડ અને હેલિકોપ્ટરની માગણી કરી પોલીસ-ફાયરવિભાગ-મેડિકલ ઇમરજન્સીની ટીમો દોડી ગઇ, ‘મોકડ્રિલ’ ખુલતા હાશકારો

ગુજરાત મિરર, રાજકોટ,તા.6
રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સવારના સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક કાળા રંગની સ્પોર્ટ્સ કાર પૂરઝડપે સ્ટેડિયમમાં ઘૂસી આવી હતી. કારમાં સવાર ચાર હથિયારધારી શખ્સોએ સ્ટેડિયમમાં કામ કરી રહેલા ત્રણ મજૂરોને બંદૂકની અણીએ બંધક બનાવી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

આતંકીઓએ 100 કરોડ રૂૂપિયાની રોકડ રકમ અને કચ્છ બોર્ડરથી પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત જ ’ચેતક કમાન્ડો’ની ટુકડી અને રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમોએ સ્ટેડિયમને ચારેય તરફથી ઘેરી લીધું હતું. હવામાં થયેલા ધડાકાના અવાજો અને એમ્બ્યુલન્સની સાયરનો વચ્ચે કમાન્ડોએ અત્યંત ચપળતાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરી ઓપરેશન શરૂૂ કર્યું હતું. આ દરમિયાન વહીવટી તંત્રના રૂૂરલ પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પીજીવીસીએલ, ફાયર ફાઈટર અને મેડિકલ ઈમરજન્સીની ટીમો પણ ઘટનાસ્થળે તૈનાત થઈ ગઈ હતી. કલાકો સુધી ચાલેલી આ ખેંચતાણ બાદ સુરક્ષા દળોએ વ્યૂહરચના ગોઠવી આતંકીઓને ઠાર માર્યા હતા અને બંધકોને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા.

ઓપરેશનના અંતે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે, આ કોઈ વાસ્તવિક આતંકી હુમલો નહોતો પરંતુ સુરક્ષા સજ્જતા ચકાસવા માટે આયોજિત એક ‘મોકડ્રીલ’ હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવાનો હતો. આ સફળ ઓપરેશનમાં ચેતક કમાન્ડોના ડીવાયએસપી ડી.વી. ગોહિલ, રાજકોટ ગ્રામ્ય ડીવાયએસપી વિક્રમ વ્યાસ તથા કે.જી.ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કવાયતમાં વહીવટી તંત્ર તરફથી ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી અને પડધરી મામલતદાર કેતન સખીયા તેમજ પોલીસ વિભાગના અધિકારીઓમાં ચેતક કમાન્ડો ઓબ્ઝર્વર ધવલ પટેલ, પડધરી પી.આઈ એસ.એન. પરમાર, પી.એસ.આઈ. પી.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, કયુઆરટી એ.બી. ચૌધરી, જે. જે. વાળા અને એસઓજી પી.વી. મિશ્રાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તદુપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોએ પરસ્પર સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *