લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી

ભગવતીપરા ફાટક પાસે યુવાનની હત્યાનો પ્રયાસ કર્યા બાદ કરણાભાઇ ગાર્ડન વાળી શેરીમાં બે ને છરી મારી લૂંટી લીધા, ત્રીજાને છરી ઝીંકી ભાગ્યા, લોહીલુહાણ યુવાને પીછો…

ભગવતીપરા ફાટક પાસે યુવાનની હત્યાનો પ્રયાસ કર્યા બાદ કરણાભાઇ ગાર્ડન વાળી શેરીમાં બે ને છરી મારી લૂંટી લીધા, ત્રીજાને છરી ઝીંકી ભાગ્યા, લોહીલુહાણ યુવાને પીછો કરી એકને પકડયો: ટોળકી સકંજામાં

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટ અને નજીવી બાબતોમાં મારામારીથી લઇ હત્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે લુંટારૂ ટોળકીએ ભગવતીપરા બ્રિજ નીચે આવેલી ફાટક ઓળંગી જઇ રહેલા યુવાનને લુંટના ઇરાદે છરી ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાંખતા બી ડિવીઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આ ટોળકીએ આરટીઓ પાસે આવેલી કરણાભાઇ માલધારીની રેસ્ટોરન્ટ વાળી શેરીમાં આ ટોળકીએ બે શખ્સોને છરી ઝીંકી લુંટ ચલાવી હતી. તેમજ ત્રીજા શખ્સને છરી ઝીંકી ભાગવા જતા લોહીલુહાણ થઇ ગયેલા યુવાને પીછો કરી એક શખ્સને પકડી લીધો હતો. આ ઘટનામાં બી ડિવીઝન પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી ટોળકીના ચારેય સભ્યને શકંજામાં લઇ પુછપરછ શરૂ કરી છે. આ ટોળકીએ માત્ર દોઢ કલાકમાં 4 વ્યકિત પર હુમલો કરી 3 યુવાન પાસેથી લુંટ ચલાવી હતી.


વધુ વિગતો મુજબ ભગવતીપરા શેરી નં. 1 માં રહેતા ખુશ્બુબેન ભાણજીભાઇ ચુડાસમા નામના યુવતીએ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે ટ્રાફીક બ્રિગેડની નોકરી કરે છે. તેમના માસીના દિકરા હાર્દિક ઉર્ફે હિતેષ નટુભાઇ ચૌહાણ (ઉ.વ. ર4) જેઓ હાલ પરાબજાર ખાતે પ્લાસ્ટીકના કારખાનામાં મજુરી કામ કરે છે. ગઇકાલે રાત્રીના નવેક વાગ્યે પોતે ઘરે હતી ત્યારે માસીના દિકરા જીગ્નેશનો કોલ આવ્યો કે હાર્દિકને કોઇકે છરી મારી દીધી છે. જેથી તેઓ પરીવારજનો સાથે પુલ નીચે આવેલી ફાટક પાસે ગયા હતા. જયા હાર્દિકને પેટમાંથી આંતરડા બહાર નિકળેલી હાલતમાં નજરે પડયો હતો. આ સમયે હાર્દિકને તેઓએ પુછતા હાર્દિકે જણાવ્યુ હતુ કે પાનના ગલ્લાની નજીક ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની પાસેથી ફાકી માંગતા હાર્દિક ફાકી નહીં આપતા છરી ઝીંકી દીધી હતી. આ અંગે 108 મારફતે હાર્દિકને સિવિલના હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહયુ છે. આ બનાવમાં ખુશ્બુબેને પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આરોપીઓ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


જયારે બીજી ફરીયાદમાં કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા મુળ યુપીના વતની દિપક અમરસિંગ નિશાદ નામના 24 વર્ષના યુવાને ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે રહેતા શની ઉર્ફે ચડીયો કલુ ઉધરેજીયા અને તેની સાથેના 3 અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. દિપકે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે ગઇકાલે પાણીપુરીની લારી લઇ ચાલતો ચાલતો કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુની શેરીમાં પહોેંચ્યો ત્યારે 3 શખ્સોએ મને પાણીપુરી ખવડાવ જેથી ફરીયાદી દિપકે પાણીપુરી નથી તેમ કહી દેતા એક આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢી દિપકના ગળા પર મુકી દીધી હતી અને તારી પાસે જે પૈસા હોય તે કાઢીને આપી દે કહેતા દિપક ડરી ગયો હતો અને તેમણે છરી દુર રાખવા જણાવ્યુ અને તેની પાસે રહેતા 1500 રૂપિયા આ લુંટારૂઓને આપી દીધા હતા. તેમજ તેમાથી એક શખ્સે છરીનો ઘા ઝીંકતા દીપકને આંગળી પર વાગી ગયુ હતુ.

તેમજ એક મોબાઇલ પણ ઝુંટવી લીધો હતો. ત્યારબાદ એક 40 વર્ષના વ્યકિત નિકળતા તેમની પાછળ પાછળ આ 3 શખ્સો ગયા હતા અને તેને પણ આરોપીઓએ લુંટી લીધા હતા. તેમનુ નામ હિતેષભાઇ પ્રભાતભાઇ ડાંગર હોવાનુ જાણવા મળ્યુ હતુ અને તેમની પાસેથી રૂ. 10000ની રોકડ તેમજ એક મોબાઇલ લુંટી લીધો હોવાનુ જાણવા મળ્યુ હતુ. થોડીવારમાં આ હિતેશભાઇએ બુમાબુમ કરી મુકતા ત્યા કેટલાક લોકો ભેગા થઇ ગયા હતા અને ચારેય શખ્સોને પકડવા દોડયા હતા અને એક શખ્સને પકડી લીધો હતો. જેમનુ નામ સની ઉધરેજીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેમણે પાછળ પકડવા દોડેલા જય અમિતભાઇ ખોયાણીને પેટના ભાગે એક છરીનો ઘા ઝીંકી દેતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પકડાયેલા આરોપીને 100 નંબરમાં ફોન કરી પોલીસને સોંપી દીધો હતો. આ ઘટના મામલે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એસ. એસ. રાણે અને ડી સ્ટાફે ગણતરીની કલાકોમાં આ ટોળકીને પકડી પાડી હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.

આ ટોળકીએ કોઇ પાસેથી લૂંટ ચલાવી હોય તો ફરિયાદ નોંધાવવા પોલીસની અપીલ
લુંટારૂ ટોળકીને બી ડિવીઝન પોલીસે સકંજામાં લઇ પુછપરછ કરતા 4 વ્યકિતને છરી ઝીંકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં 3 લોકો પાસેથી તેમણે પૈસા અને મોબાઇલ પડાવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઘટનામાં પીઆઇ એસ. એસ. રાણે એ જણાવ્યુ હતુ કે આ લુંટારૂ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી છે કે સૌપ્રથમ એ ખાણીપીણી વાળા વ્યકિત પાસેથી વસ્તુ મફતમાં માંગે છે અને ત્યારબાદ છરી બતાવી પૈસા પડાવી લે છે. ત્યારે આ ટોળકીથી અન્ય કોઇ વ્યકિત ભોગ બની હોય તો પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવવા પીઆઇએ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *